નવસારીમાં ચીખલી હાઇવે પર કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ, ૪ની ધરપકડ
નેશનલ હાઇ-વે નં. ૪૮ પર રાત્રીના સમયે દોડતી ટ્રકો, કન્ટેનરો અને ટેન્કરોમાં વહન થતા વિભિન્ન સામનો કે કેમિકલ કે કેમિકલ પાવડરને ટ્રક ચાલકો હાઇ-વે પર આવેલી હોટલો કે ઢાબા પર ઉભા રાખી તેમાંથી થોડુ કેમિકલ વેચી દેતા હોવાની ફરિયાદો સાથે જ ઘણી ઘટનાઓ સામે આવી છે.જેમાં લોખંડના સળિયા તેમજ કેમિકલ ચોરી સામાન્ય બની છે. જેમાં સુરત રેંજની આર. આર. સેલ પોલીસની ટીમે બાતમીને આધારે ચીખલીના સુથવાડની એક હોટલ કમ્પાઉન્ડમાંથી ટેન્કરોમાંથી કેમિકલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. સુરતના હજીરાથી સેલવાસ જઇ રહેલા ચાર ટેન્કરોમાંથી ટેન્કર ચાલકોએ ૩૫૦ લીટર મોનોથેલીન ગ્લાયકોલ કેમિકલ, જે કેમિકલ પ્રોસેસમાં વપરાય છે.
જેને ટેન્કરમાંથી કાઢી પ્લાસ્ટિકના કેરબાઓમાં ભરીને હોટલના પાર્કિંગમાં જીતુ નામના શખ્સને વેચતા હતા. જેની જાણ થતા પોલીસે ઘટના સ્થળેથી ચારે ટેન્કરના ચાલકો રણજાેધસિંહ જાટ, જીતેન્દ્રસિંહ જાટ, સલમાન શેખ અને હરિચંદ્ર યાદવને પકડી પાડ્યા હતા. આ સાથે જ ટેન્કરોમાંથી ચોરેલુ અને બેરેલમાં ભરેલા કેમિકલ સહિત ૪૫.૯૬ લાખ રૂપિયાના ૧,૨૯,૮૫૦ લીટર કેમિકલ, ૯૦ લાખના ટેન્કરો, મોબાઈલ ફોન્સ સહિત ૧.૩૬ કરોડના મુદ્દામાલને કબજે કરી પોલીસે ચારેય આરોપીઓનો કોરોના ટેસ્ટ કરાવી ધરપકડ કરી હતી. જયારે જીતુ સહિતના બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા.
જયારે સમગ્ર મુદ્દે ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની તપાસ ચીખલી પોલીસેને સોંપી છે.નવસારી જિલ્લામાં હાઇવે પરની હોટલો અને ઢાબાઓમાં ઉભા રહેતા વાહનોમાંથી કેમિકલ ચોરીનાં અનેક બનાવો ભુતકાળમાં સામે આવ્યા છે. જેમાં પોલીસે આરોપીઓને પકડીને સબક પણ શીખવ્યો છે. પરંતુ કેમિકલ કે સળિયા ચોરો જગ્યા બદલીને પોતાના કાળા કારનામાઓને અંજામ આપી પોલીસને હાથ તાળી આપતા હોય છે. ત્યારે પોલીસ કેમિકલ ચોરીના રેકેટ ચલાવતા મુખ્ય આરોપીઓને પકડીને સમગ્ર રેકેટનો જળમુડથી નાશ કરે તે જરૂરી બન્યું છે.