તા.૧ થી ૭ માર્ચ દરમિયાન દેશભરમાં જનઔષધિ સપ્તાહની ઉજવણી
નાગરિકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવા મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર, નાગરિકો માટે ઉપયોગી પહેલ છે જેના અંતર્ગત પ્રધાનમંત્રીના વાજબી કિંમતે ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવવાના સ્વપ્નને સાકાર કરવા અનેક જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે.
નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ ૫૦ થી ૯૦ ટકા વાજબી ભાવે ઉપલબ્ધ કરાવવાના સ્વપ્નને સાકાર કરવા જન ઔષધિ કેન્દ્રોનું મોટું યોગદાન રહ્યું છે. દેશભરમાં તા. ૭ માર્ચ “જન ઔષધિ” દિવસ તરીકે મનાવવામાં આવે છે, જે હેઠળ આ વર્ષે તા .૧ માર્ચ થી ૭ માર્ચ દરમિયાન “જન ઔષધિ સપ્તાહ ” તરીકે દેશભરમાં ઉજવવામાં આવનાર છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં પણ આ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.
જન ઔષધિ સપ્તાહના પ્રથમ દિવસ તા. ૧ માર્ચ ૨૦૨૨, મંગળવારના રોજ “જન ઔષધિ સંકલ્પ યાત્રા – જનયાત્રા“ નું આયોજન કરવામાં આવેલ છે, જેને કાંકરિયા તળાવના ગેટ નં -૧ પાસેથી સવારે ૯ઃ૦૦ કલાકે પ્રસ્થાન કરાવવામાં આવશે. આ ૧ કી.મી પદયાત્રા કાંકરિયાથી પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી કેન્દ્ર – મણીનગર ખાતે પહોંચશે.
આ સાત દિવસીય કાર્યક્રમોમા પ્રથમ દિવસે “જન ઔષધિ સંકલ્પ યાત્રા”, બીજો દિવસ “માત્રુ શક્તિ સન્માન”, ત્રીજો દિવસ “જન ઔષધિ બાળ મિત્ર”, ચોથો દિવસ “જન ઔષધિ જન જાગરણ અભિયાન”. પાંચમો દિવસ “લેટ્સ બીકમ એ જન ઔષધિ મિત્ર”, છઠો દિવસ “જન ઔષધિ જન આરોગ્ય મેલા” અને સાતમો દિવસ “જન ઔષધિ દિવસ” તરીકે ઉજવવામાં આવશે.
આ જન ઔષધિ સંકલ્પ યાત્રા – જનયાત્રાનો મુખ્ય હેતુ નાગરીકોમાં જન ઔષધિ દવાઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે જેનાથી વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લઇ વાજબી અને ગુણવત્તાયુક્ત દવાઓ મેળવી શકે.
પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી કેન્દ્રો દ્વારા ‘ટેલી મેડીસીન’ સેવાઓ પણ શરુ કરવામાં આવી છે, કોવિડ-૧૯ સ્થિતિમાં જેની મહત્વની ભૂમિકા રહી હતી. પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી કેન્દ્ર – મણીનગર દ્વારા આ જન ઔષધિ સંકલ્પ યાત્રા – જનયાત્રામાં સામેલ થવા અને જન ઔષધિ દવાઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવા સર્વે નાગરિકોને આમંત્રણ છે.