ચાંગા માધ્યમિક શાળામાં 85 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવતા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત
“ભવિષ્યનો આધાર છે શિક્ષણ, સમજણની શરૂઆત છે શિક્ષણ”
વડગામઃ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ૨૧મી કડી અંતર્ગત બનાસકાંઠાના વડગામ તાલુકાના ચાંગા ગામે માધ્યમિક શાળાના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.
“વિકસિત ભારત”ના સ્વપ્નદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને “વિકસિત ગુજરાત” માટે કટિબદ્ધ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ત્રિદિવસીય મહોત્સવ ઉજવ્યો.
ચાંગા માધ્યમિક શાળા ખાતે કેબિનેટ મંત્રી ઉપસ્થિતિમાં “તેરી પનાહ મે હમે રખના” પ્રાર્થના, “આયો રે શુભદીન” સ્વાગતગીત, તેજસ્વી વિદ્યાર્થી સન્માન, શૈક્ષણિક કાર્યની સમીક્ષા અને વૃક્ષારોપણ કાર્યક્રમની વિશેષતા જોવા મળી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતુ કે “શાળા પ્રવેશ સમયે વરૂણદેવે વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું છે, આપ સૌની પ્રગતિના કુદરતી સંકેતો છે”.
ચાંગા માધ્યમિક શાળામાં ૧૫૫ વિદ્યાર્થીઓ ધરાવે છે, જે પૈકી આ શાળામાં ધોરણ-૯માં ૫૪, ધોરણ-૧૧માં ૩૧ એમ કુલ ૮૫ નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જે પૈકી ૪૭ કુમાર અને ૩૮ કન્યાઓ છે.
આ પ્રસંગે ગોવિંદભાઈ ચૌધરી, પ્રવિણસિંહ રાણા, કેસરભાઈ વાયડા, અશ્વિનભાઈ સક્સેના, જશુભાઈ પટેલ સહિત ચાંગા ગામના વડીલો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.