અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્ષ ઈન્ડિયા પ્રા લી.કંપનીમાં બ્લાસ્ટ, 4 કામદારોના મોત
- કંપનીમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા આ બ્લાસ્ટ થયો
- ફરી એક વાર ઔદ્યોગિક સલામતીનો છેદ ઉડી જતો જોવા મળ્યો
- ઔદ્યોગિક સલામતીના પાલનમાં ગુજરાત કેમ નથી બની રહ્યું અગ્રણી?
ભરૂચઃ અંકલેશ્વર જીઆઈડીસીમાં વધુ એક ઔદ્યોગિક અકસ્માત થવા પામ્યો છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થતા આ અકસ્માત જીવલેણ સાબિત થયો છે.
વિગત પ્રમાણે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્ષ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે બ્લાસ્ટ થયો હતો. કંપનીમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા આ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટની ઘટના બનતા જ કંપનીમાં રહેલા તમામ કામદારોમાં ભાગદોડ મચી જવા પામી હતી. આ દુર્ઘટનામાં ઘટના સ્થળની નજીક કામ કરી રહેલા 4 કામદારોના મોત નીપજ્યા છે.
ઘટનાની જાણ થતા ફેક્ટરી ઇન્સપેક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસની ગતિવિધિ શરૂ કરી દેવામાં આવી છે. જોકે આ ડેટોક્ષ ઈન્ડિયા પ્રા લી.કંપનીમાં બ્લાસ્ટની ઘટનાથી ફરી એક વાર ઔદ્યોગિક સલામતીનો છેદ ઉડી જતો જોવા મળી રહ્યો છે. જોકે, અહીં એ પ્રશ્ન ઉપસ્થિત રહ્યો છે કે ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત દેશમાં અગ્રણી રાજ્ય છે, પરંતુ શા માટે ઔદ્યોગિક સલામતી જેવા મહત્વની બાબતે ગુજરાત અગ્રણી રાજ્ય તરીકે જોવા મળી રહ્યું નથી? શા માટે જવાબદારો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી નથી? જો અધિકારીઓ પોતાની ફરજ નૈતિકતા દર્શાવે તો આવા કેટલાંક મજૂરોનો જીવ બચાવી શકાય તેમ છે.