બર્ડ ફ્લૂઃ ચિખલીમાં મૃત ૩ કાગડાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
ચિખલી તાલુકાના સિયાદા ગામમાં ચાર દિવસ પહેલાં મૃત હાલતમાં ત્રણેય કાગડાઓનાં ટેસ્ટ પોઝિટિવ આવતા નવસારી જિલ્લામાં વધુ એક સ્થળ બર્ડ ફ્લૂની ચપેટમાં આવ્યો છે. અગાઉ ડાંગના વઘાઈમાં પણ મૃત મળેલા પક્ષીઓમાં બર્ડ ફ્લૂ વાઇરસ હોવાની પુષ્ટિ થતા ગુજરાતમાં સાત જિલ્લામાં આ ચેપ પ્રસર્યો હોવાનું સરકારે જાહેર કયુંર્ છે. તેનો ફેલાવો અટકાવવા આ સાતેય જિલ્લાના કલેક્ટરોએ ૧૨ સ્થળે એક કિલોમીટરની ત્રિજ્યામાં નાગરિકોના આવાગમન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ એક પ્રકારે લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રમાં જામનગર અને જૂનાગઢ જિલ્લામાં પક્ષીઓની બર્ડ ફ્લૂ વાઇરસ જોવા મળ્યા છે. આ ચેપી વાઇરસથી દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા સૌથી વધુ પ્રભાવિત છે. જેમાં સૌથી સુરતમાં બારડોલી, કોસંબા અને મહુવા એમ ત્રણ તાલુકામાં કલેક્ટર દ્વારા પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અડીને આવેલા વલસાડ, ડાંગમાં એક એકનો સમાવેશ થાય છે. નર્મદા અને નવસારી જિલ્લામાં પણ બે- બે સ્થળોએ બર્ડ ફ્લૂથી ટપોટપ પક્ષીઓ મૃત્યુ પામતા ત્યાં પણ ચેપનો ફેલાવો રોકવા પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા છે.
જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરામાં બે સ્થળો બાદ વધુ આ પ્રકારનો ચેપ પક્ષીઓમાં જોવા મળ્યો નથી. પશુપાલન વિભાગના જણાવ્યા મુજબ ભોપાલ ખાતે આવેલી નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર હાઇ સિક્યુરિટી એનિમલ ડિસીઝ લેબલેબમાં ગુજરાતના ૧૦ જિલ્લામાંથી શંકાસ્પદ રીતે મૃત્યુ પામેલા ૪૦થી વધુ પક્ષીઓનાં ટેસ્ટના રિપોર્ટ પેન્ડિંગ છે. જે સોમવાર સુધીમાં આવી જશે.