કાશ્મીરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યુંઃ પારો માઈનસ ૮.૨ ડિગ્રી

કાશ્મીરમાં મોટાભાગનાં શહેરો અને વિસ્તારોમાં શનિવારે પારો ફરી ગગડતા લોકોને હાડ ગાળી નાખતી કાતિલ ઠંડીનો સામનો કરવો પડયો હતો. શ્રીનગરમાં તાપમાન માઈનસ ૮.૨ ડિગ્રી નોંધાતા લોકોને ઠંડીમાં ઠૂંઠવાવું પડયું હતું. સમગ્ર કાશ્મીરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. પરિણામે દલ સરોવર સહિત પાઈપોમાં પાણી થીજી ગયું હતું. શુક્રવારે રાત્રે શ્રીનગરમાં રાતનું તાપમાન માઈનસ ૭.૬ ડિગ્રી નોંધાયું હતું. અહીં ગુરુવારે રાતનું તાપમાન માઈનસ ૮.૪ ડિગ્રી હતું જે ૧૯૯૧ પછીની ઠંડામાં ઠંડી રાત હતી.

પહેલગામમાં પારો ગગડીને માઈનસ ૯.૪ ડિગ્રી રહ્યો હતો જ્યારે ગુલમર્ગમાં માઈનસ ૫.૪ ડિગ્રી નોંધાયો હતો. કાઝીગુંડમાં માઈનસ ૧૦ ડીગ્રી ઠંડી રહી હતી. કુપવાડામાં માઈનસ ૬.૮ અને કોકરનાગમાં માઈનસ ૮.૭ ડિગ્રીએ પારો રહ્યો હતો. ચિલ્લાઈ કલાન ૩૧મીએ પૂરું થાય તે પછી ૨૦ દિવસ ત્યાં ઠંડીનું જોર રહેશે.

છત્તીસગઢમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જશપુર, મેનપાટ, બિલાસપુર અને ચિલ્કી ઘાટીમાં બરફ વર્ષાને કારણે શીતલહેર ફરી વળી હતી. જશપુરમાં બરફ છવાયો હતો. રાજ્યમાં ૧૯મી સુધી ઠંડીનું જોર રહેશે. પંજાબમાં વધુ ૩ દિવસ શીતલહેર ચાલુ રહેશે તેમ હવામાન ખાતાએ આગાહી કરી હતી. હરિયાણામાં ૨૬ જાન્યુઆરીએ વરસાદ પડવાની આગાહી કરાઈ છે.