અમદાવાદમાં ૬ નગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટસને મંજૂરી
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા રાજ્યની છ નગરપાલિકાઓમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂપિયા ૬૪.૯૧ કરોડ સહિત વિવિધ વિકાસ કામો માટે કુલ રૂપિયા ૯૩.૧૦ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત-૨.૦ પ્રોજેક્ટની સ્ટેટ લેવલ ટેક્નિકલ કમિટીની ગાંધીનગરમાં મળેલી બેઠકમાં આ કામો મંજૂર કરવામાં આવ્યા હતા.
GUDM દ્વારા આ બેઠકમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂપિયા ૬૪.૯૧ કરોડ, તળાવ નવિનીકરણ માટે રૂપિયા ૨૨.૧૫ કરોડ અને ભુગર્ભ ગટરના ૧ પ્રોજેક્ટ માટે રૂપિયા ૬.૦૪ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે જે નગરપાલિકાઓને અનુમતિ આપવામાં આવી છે. તેમાં દહેગામ નગરપાલિકાને રૂપિયા ૧૨.૫૯ કરોડ ૫૪૦૦ ઘર જોડાણથી અંદાજે ૨૭ હજાર લાભાર્થીઓને આવરી લેવા માટે ફાળવાશે. આંકલાવમાં ૫૬૨ ઘર જોડાણ અને ૨૮૧૦ જનસંખ્યાને રૂપિયા ૧૯.૫૬ કરોડના ખર્ચે થનારા પાણી પૂરવઠા પ્રોજેક્ટનો લાભ મળશે.
ગોધરા નગરપાલિકામાં રૂપિયા ૮.૦૬ કરોડના ખર્ચે બે ફેઇઝમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટ હાથ ધરાશે અને ૫૦૦ ઘર જોડાણથી ૨૫૦૦ લોકોને લાભ થશે.