આણંદ કૃષિ યુનિવર્સિટીની જૈવિક નિયંત્રણ પ્રયોગશાળાને મળ્યો દેશમાં પ્રથમ ક્રમ
આણંદ કૃષિ યુનિવર્સિટીની જૈવિક નિયંત્રણ પ્રયોગશાળાને સમગ્ર દેશમાં પ્રથમ ક્મ મળ્યો છે. દેશના ૩૬ કેન્દ્રમાંથી શ્રેષ્ઠ કેન્દ્ર અંગેનો બેસ્ટ પર્ફોમીંગ એઆઈસીઆરપી સેન્ટર ઓન બાયોલોજીકલ કંટ્રોલ એવોર્ડ એનાયત કરવામાં આવશે. દેશના ખેડૂતોની આવક બમણી કરવા પાકનું વધુ ઉત્પાદન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેમાં દેશના વિવિધ રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં આઈસીએઆર – નેશનલ બ્યુરો ઓફ એગ્રીકલ્ચરલ ઇન્સેક્ટ રીસોર્સીસ, બેંગ્લોર દ્વારા એઆઈસીઆરપી ઓન બાયોલોજીકલ કંટ્રોલ યોજના કુલ ૩૬ કેન્દ્રો પર કાર્યરત છે. જેનો મુખ્ય હેતુ વિવિધ જૈવિક નિયંત્રકો પર સંશોધન કરીને ખેતી પાકોમાં નુકસાન કરતી જીવાતોનું વ્યવસ્થાપન ઝેરી રસાયણમુક્ત, ઓછા ખર્ચે અને પર્યાવરણને નુકશાન કર્યાં વગર કેવી રીતે શકાય ? તે છે. નેશનલ બ્યુરો ઓફ એગ્રીકલ્ચરલ ઇન્સેક્ટ રીસોર્સીસ દ્વારા આખા વર્ષનું મૂલ્યાંકન કરીને શ્રેષ્ઠ કામગીરી માટે બેસ્ટ સેન્ટર એવોર્ડ આપવામાં આવે છે.
વર્ષ ૨૦૨૧-૨૨ માટે આણંદ કૃષિ યુનિવર્સિટીની જૈવિક નિયંત્રણ પ્રયોગશાળાને સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં કાર્યરત ૩૬ કેન્દ્રમાંથી શ્રેષ્ઠ કેન્દ્ર અંગેનો બેસ્ટ પર્ફોમીંગ એઆઈસીઆરપી સેન્ટર ઓન બાયોલોજીકલ કંટ્રોલ એવોર્ડ બેંગ્લોર ખાતે મળેલી ૩૧મી વાર્ષિક સમીક્ષા બેઠકમાં જાહેર કરવામાં આવ્યો છે. આ બેઠકમાં પ્રમુખ તરીકે નવી દિલ્હીના પાક વિજ્ઞાનના નાયબ નિયામક ડો. ટી.આર. શર્મા, મુખ્ય મહેમાન તરીકે પાક સંરક્ષણ અને જૈવ સુરક્ષાના મદદનીશ નાયબ નિયામક ડો. એસ.સી. દુબે, નિયામક ડો. એસ.એન. સુનીલ વિગેરે હાજર રહ્યાં હતાં. આ સિદ્ધિ મેળવવા બદલ આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. બી. કથીરીયા, સંશોધન નિયામક દ્વારા જૈવિક નિયંત્રણ પ્રયોગશાળાના મુખ્ય સંશોધન વૈજ્ઞાનિક ડો. એન.બી. પટેલ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડો. બી.એલ. રઘુનંદન તેમજ યોજના સાથે સંકળાયેલા અન્ય સ્ટાફને અભિનંદન પાઠવ્યાં હતાં.
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા ૧૯૭૭થી કાર્યરત છે. જેમાં ફરજ બજાવતા વૈજ્ઞાનિકોના પ્રયત્નો દ્વારા જૈવિક નિયંત્રણ સંબંધિત વિવિધ પાકોમાં ખેડૂત ઉપયોગી ભલામણો આપવામાં આવે છે. તદ્દઉપરાંત ખેડૂતોના ખેતર પર જૈવિક નિયંત્રકોના મોટા પાયા પર નિદર્શન ગોઠવા અને ખેડૂતો જૈવિક નિયંત્રકોથી માહિતગાર થાય તે હેતુથી ખેડૂતોના ખેતર પર જઇને તેમને રસાયણમુક્ત ખેતી કરવા માટે દર મહિને જૈવિક નિયંત્રકો અંગેના જાગૃતિ સપ્તાહ આયોજીત કરવામાં આવે છે. આ પ્રયોગશાળામાં ઇંડાના પરજીવી ટ્રાયકોગ્રામ, ચૂસિયા પ્રકારની જીવાતોના પરભક્ષી ક્રાયસોપા અને રીડુવીડ બગ તેમજ જૈવિક કીટનાશકો જેવી કે બ્યુવેરીયા બૈસીયાના, મેટારીઝીમ એનીસોપ્લી, બેસીલસ થુરીન્જીન્સીસ અને સ્યુડોમોનાસ ફ્લુરોસન્સનું સંશોધન તેમજ નિદર્શન માટે મોટાપાયા પર ઉત્પાદન કરવામાં આવે છે.