બર્ફીલા તોફાન આગળ દુનિયાની મહાસત્તા અમેરિકા લાચારઃ ૧ કરોડ લોકો સંકટમાં

વીજ પુરવઠો ન મળવાથી વેક્સિનના ૮,૦૦૦થી વધુ ડોઝ બગડી ગયા

અમેરિકાના ટેક્સાસ અને મેક્સિકોમાં ખતરનાક બર્ફીલા તોફાનના કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. સતત થઈ રહેલી હિમવર્ષાના કારણે અત્યારસુધીમાં ૨૧ લોકોના મોત થયા છે. ટેક્સાસમાં ૪૪ લાખ લોકો વીજળીની સુવિધા વગર ઘરોમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. ટેક્સાસની ૧૦૦થી વધારે કાઉન્ટીમાં વીજળી અને પાણીના પુરવઠાને વિકટ પ્રભાવ પડ્યો છે. લોકોને ઉકાળેલું પાણી પીવા માટે સલાહ આપવામાં આવી રહી છે અને ૨૦૦થી વધારે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. હાલ તે વિસ્તારના વેક્સિનેશન સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે અને વૃદ્ધોને બચાવવા માટે નેશનલ ગાડ્‌ર્સ તૈનાત કરવામાં આવ્યા છે. તે સિવાય ટેક્સાસ અને હ્યુસ્ટનમાં વિમાની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

અમેરિકાની ૧ કરોડ કરતા પણ વધારે વસ્તી બરફમાં ઠુંઠવાઈ રહી છે. ટેક્સાસમાં સતત બર્ફીલા તોફાનોના કારણે વીજળીનું ઉત્પાદન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. સ્ટેટ પાવર ગ્રિડમાં સતત ખરાબી આવી રહી છે અને ગેસ, તેલની પાઈપલાઈનો પણ જામી ગઈ છે. વેક્સિનના ૮,૦૦૦ કરતા પણ વધારે ડોઝ વીજળીનો પુરવઠો ન મળવાના કારણે બગડી ગયા છે.

ટેક્સાસ, લુસિયાના, કેંટકી અને મિસૌરીમાં અત્યાર સુધીમાં ૨૧ લોકોના મોત થયા છે. વાતાવરણ સતત ખરાબ થઈ રહ્યું છે અને મિસિસિપી, મિનેસોટામાં પણ આવી જ સ્થિતિ છે. હવામાન વિભાગે ટેક્સાસ, અરકંસાસ તથા મિસિસિપીમાં ફરીથી તોફાન આવશે તેવી ચેતવણી આપી છે.

રાષ્ટ્રપતિ જો બાઈડને પોતે મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા રાજ્યોની સંપૂર્ણપણે મદદ કરશે તેવી ખાતરી આપી છે. બર્ફીલા તોફાનોના કારણે ઓહાયોથી લઈને રિયો ગ્રેંડે સુધીનું સંપૂર્ણ ક્ષેત્ર બરફની ચાદરમાં ઢંકાઈ ગયું છે. લિંકન અને નેબરાસ્કા શહેરનું તાપમાન માઈનસ ૩૧ ડિગ્રીથી પણ નીચું જતું રહ્યું છે.

ટેક્સાસ ઉપરાંત મેક્સિકોની સ્થિતિ પણ વણસેલી છે. ઉત્તરી મેક્સિકોમાં બ્લેકઆઉટના કારણે એક જ દિવસમાં ફેક્ટરીઓને ૨.૭ બિલિયન ડૉલર (આશરે ૧૯,૦૦૦ કરોડ કરતા વધારે)નું નુકસાન થયું છે. બર્ફીલા તોફાનોના કારણે ઉદ્યોગ-ધંધાને સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે. ઉત્પાદન ક્ષેત્રે સંકળાયેલી ફેક્ટરીઓની સંસ્થાએ ૨,૬૦૦ ઉદ્યોગો તોફાનથી પ્રભાવિત થયા હોવાનો અહેવાલ આપ્યો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news