અમદાવાદ એરપોર્ટ પર દિવાળીમાં મહિનામાં નવ લાખ મુસાફરની અવરજવર નોંધાઈ
અમદાવાદ એરપોર્ટ પર એક જ મહિનામાં ૭.૫૩ લાખ ડોમેસ્ટિક અને ૧.૩૧ લાખ ઇન્ટરનેશનલ મુસાફરોની અવરજવર નોંધાઇ છે. આમ, અમદાવાદ એરપોર્ટ પર પ્રતિદિન સરેરાશ ૨૮ હજાર મુસાફર અવરજવર કરે છે. અમદાવાદ એરપોર્ટ પર ઓક્ટોબરમાં કુલ ૬૨૫૩ ડોમેસ્ટિક અને ૯૦૯ ઇન્ટરનેશનલ ફલાઇટની અવરજવરમાં આ આંકડા નોંધાયા છે.
આ સ્થિતિ પ્રમાણે અમદાવાદ એરપોર્ટ પર પ્રત્યેક ડોમેસ્ટિક ફલાઇટમાં ૧૨૦ અને ઇન્ટરનેશનલ ફલાઇટમાં ૧૪૪ લોકોએ મુસાફરી કરી. એવી જ રીતે, સપ્ટેબરમાં અમદાવાદ એરપોર્ટ પર ૬.૬૭ લાખ ડોમેસ્ટિક અને ૧.૧૧ લાખ ઇન્ટરનેશનલ મુસાફરની અવરજવર હતી. સપ્ટેબરની તુલનામાં ઓક્ટોબરમાં હવાઇ મુસાફરોની સંખ્યા વધી હતી. તેનું કારણ એ હતું કે, ઓક્ટોબરમાં દિવાળીના તહેવારો હતા. આમ, ડોમેસ્ટિકમાં ૮૫ હજાર અને ઇન્ટરનેશનલમાં ૧૨ હજાર મુસાફરો વધ્યા હતા. અમદાવાદ સિવાય ઓક્ટોબરમાં વડોદરા અને સુરત શહેરમાંથી પણ ડોમેસ્ટિકમાં સૌથી વધુ લોકોએ મુસાફરી કરી હતી.
એપ્રિલથી ઓક્ટોબર ૨૦૨૨માં છ જ મહિનામાં કુલ ૩૭૦૨૫ ફ્લાઇટ મુવમેન્ટમાં ૪૩ લાખ ડોમેસ્ટિક મુસાફરે અવરજવર કરી હતી. આ સમયગાળામાં વર્ષ ૨૦૨૧માં ૨૩,૮૬૩ ફ્લાઇટમાં ૨૩.૩૧ લાખ મુસાફરો નોંધાયા હતા. આમ અમદાવાદના ડોમેસ્ટિક મુસાફરોમાં ૮૪% અને ફ્લાઇટ મુવમેન્ટમાં ૫૫% વધારો થયો છે. આગામી સમયમાં અમદાવાદ એરપોર્ટ પર નવા સેક્ટરની ફલાઇટો શરૂ થશે જેના કારણે મુસાફરોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થશે.