ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે ૧૫ દિવસ બાદ નદીની સપાટી ૨૧ ફૂટ પર પહોંચી
નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલાં ૨.૬૫ લાખ કયુસેક પાણીના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી ૨૧ ફૂટ પર પહોંચી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોને સાવધ રહેવા તાકીદ કરાઇ છે. નર્મદા ડેમની સપાટી ૧૩૮.૪૭ મીટર છે અને તેના ૨૩ ગેટ ખુલ્લા છે. મધ્યપ્રદેશમાં આવેલાં ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવી રહેલાં પાણીના કારણે સરદાર સરોવરમાં ૨.૮૦ લાખ કયુસેક પાણી આવી રહયું છે.
નર્મદા ડેમની સપાટી ૧૩૮.૪૭ મીટર પહોંચી છે. ડેમ સંપુર્ણ ભરાયેલો હોવાથી વધારે પાણીનો સંગ્રહ કરવાના બદલે સરદાર સરોવરમાં જેટલું પાણી આવી રહયું છે તેટલું પાણી નદીમાં છોડવામાં આવી રહયું છે. ડેમના ૨૩ ગેટમાંથી ૨.૨૦ લાખ કયુસેક અને રીવરબેડ પાવર હાઉસમાંથી ૪૫ હજાર કયુસેક પાણી છોડાઇ રહયું છે. ડેમમાંથી આવતાં ૨.૬૫ લાખ કયુસેક પાણીના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી ૨૦.૬૬ ફુટ પર પહોંચી છે.
ગોલ્ડનબ્રિજ ખાતે નદીની ભયજનક સપાટી ૨૪ ફુટ છે. ૧૫મીએ ડેમ ૧૩૮.૬૮ મીટરની પુર્ણ સપાટીએથી ભરાય ગયો છે. મધ્યપ્રદેશના ડેમો છલોછલ હોવાથી વરસાદ પડે કે તરત ત્યાંથી પાણી છોડવામાં આવે છે. હાલ પણ ઓમકારેશ્વર ડેમમાંથી ૨.૮૦ લાખ કયુસેક જેટલું પાણી છોડવામાં આવી રહયું છે. ડેમમાંથી છોડવામાં આવતાં પાણીની માત્રા તબકકાવાર વધારવામાં આવતી હોવાથી ૧૫ દિવસ બાદ ફરીથી ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે ચાલુ વર્ષે ચોમાસામાં નર્મદા નદીની મહત્તમ સપાટી ૨૮ ફુટ સુધી પહોંચી હતી. ડેમમાંથી તારીખ ૧૨મી ઓગષ્ટના રોજથી ગેટ ખોલી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી.