સાબરમતી નદીને પ્રદૂષિત કરતા 61 એકમો સામે કાર્યવાહી
અમદાવાદઃ સાબરમતી નદીમાં છડેચોક પ્રદૂષણ એ એક અત્યંત ગંભીર મુદ્દો છે. હાઈકોર્ટ દ્વારા પણ આ મુદ્દે કડક વલણ દાખવવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ ચાલી રહેલા ગુજરાત વિધાનસભાના સત્રમાં સાબરમતી નદીના પ્રદૂષણનો મુદ્દો ઉઠ્યો હતો,
અમદાવાદ શહેર અને તેના આસપાસના વિસ્તારમાંથી કેમિકલવાળું ગંદુ પાણી છોડવાના કારણે સાબરમતી નદી પ્રદૂષિત થઇ રહી હોવાની ફરિયાદથી સરકાર વાકેફ છે કે કેમ તેમ વિધાનસભા ગૃહમાં વિપક્ષ દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેમજ છેલ્લા બે વર્ષમાં ઉક્ત સ્થિતિમાં વન અને પર્યાવરણ વિભાગ અને તેના તાબા હેઠળની કચેરીઓ દ્વારા ઉક્ત ફરિયાદોને લઇને કોની સામે કાર્યવાહી કરવામાં આવી છે પ્રશ્નના જવાબમાં વન અને પર્યાવરણ મંત્રીએ જણાવ્યું હતુ કે 31 ડિસેમેબર, 2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષોમાં કુલ 61 એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સાબરમતી નદીમાં છોડાતા કેમિકલ વાળા ગંદા પાણીને લઇને વર્ષ 2022 કેલેન્ડર વર્ષમાં મળેલી 42 ફરિયાદોમાંથી 7 એકમોને કારણ દર્શક નોટિસ, 12 એકમોને નોટીસ ઑફ ડાયરેક્શન, 23 એકમોને ક્લોઝર અને અન્ય ડાયરેક્શનની કાર્યવાહી કરવામાં આવી છે, તો વર્ષ 2023માં મળેલી કુલ 19 ફરિયાદોમાં 5 એકમોને કારણ દર્શક નોટિસ, 4 એકમોને નોટીસ ઑફ ડાયરેક્શન, 1 એકમને લીગલ નોટિસ અને 9 એકમોને ક્લોઝર અને અન્ય ડાયરેક્શનની કાર્યવાહી કરવામાં આવી હતી.
*File Photo