ઉકાઈ ડેમમાંથી ફરી ૬૯ હજાર ક્યુસેક જેટલું પાણી તાપીમાં છોડાયું
ઉકાઈ ડેમની સપાટી જાળવી રાખવા પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી ૬૯ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા તાપી નદીમાં પણ પાણીની આવક નોંધાઈ છે. જેને કારણે કોઝવે બંધ રાખવાની ફરજ પડી છે. જોકે આગામી દિવસોમાં ઉપરવાસમાં વરસાદની કોઈ આગાહી ન હોય તબક્કાવાર રીતે આ પાણી છોડવાનું ઓછું કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ચાલુ વર્ષે એકંદરે વરસાદ સુરત શહેર અને દક્ષિણ ગુજરાત માટે સારો વરસતા ધરતીપુત્રોને પણ રાહત થઇ છે.ઉકાઈ ડેમમાં પાણીની આવક ૮૨.૯૮૦ ક્યુસેક નોંધાઈ છે. જયારે ડેમની હાલની સપાટી ૩૪૫.૨૫ ફૂટ જેટલી નોંધાઈ છે. ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે. અને ડેમમાંથી હાલ ૬૯,૩૦૪ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. ગયા સપ્ટેબર મહિનામાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા કોઝવે ખાતે તાપી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.
કોઝવેની ભયજનક સપાટી ૬ મીટર છે, અને હાલ કોઝવે તેની ભયજનક સપાટીથી ઉપર વહેતા રાંદેર અને કતારગામ વિસ્તારને જોડતા કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે. હજી બે ત્રણ દિવસ સુધી કોઝવે ખુલ્લો મુકાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. જોકે પાછોતરા વરસાદને કારણે આટલા વર્ષોમાં પહેલી વાર એવું બન્યું છે કે ઉકાઈ ડેમમાંથી ઓક્ટોબર મહિનામાં પણ પાણી છોડવાની ફરજ પડી છે. આમ તો ઉકાઈ ડેમ હાલ છલોછલ થઇ ગયો છે. અને બે વર્ષ સુધી ખેડૂતોને સિંચાઈ તેમજ શહેરીજનોને પીવાના પાણીની કોઈ સમસ્યા નહીં આવે તેવું સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે હાલના દિવસોમાં બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે તેના કારણે ઉકાઇના ઉપરવાસમાં વરસાદ પડતા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે.