વડોદરાના કરજણમાં રસ્તો ઓળંગતા મગરનો વિડીયો વાઈરલ થયો
ચોમાસાની ઋતુમાં નદીઓ અને તળાવોમાં પાણીની આવક વધતા મગરો બહાર નીકળવાની ઘટનાઓ બની રહી છે. જેમાં વડોદરા નજીક આવેલ કરજણમાં એક મગર રસ્તો ઓળંગી બીજી તરફ જતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. મગરોના વસવાટ માટે વડોદરાની વિશ્વામિત્રી નદી જાણીતી છે. પરંતુ, હવે મગરોની વસ્તી વડોદરાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. જેમાં હાલમાં વર્ષાઋતુમાં જળાશયોમાં પાણીની આવક વધતા મગરો બહાર નીકળી રહ્યા છે. વડોદરા પાસે આવેલા કરજણમાં એક મગર રોડ આળંગી ડિવાઇર કૂદી બીજી તરફ રોડની ઝાડીઓમાં જતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ વીડિયો કરજણના નવાબજાર ડેપો પાસે હુસૈન ટેકરીનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક મુસાફર રિક્ષા ચાલકને કહે છે કે, રિક્ષા સાઇડમાં રાઇડમાં રાખો, મગરનો વીડિયો બનાવી દઇએ. આ દરમિયાન મગર એક સોસાયટી તરફથી રોડ પર આવે છે અને ડિવાઇડર પર ચડી રોડની બીજી તરફ ઝાડીઓમાં જતો રહો છે. આ દરમિયાન રોડ પર પસાર થતી ગાયોનું ટોળું તેમજ કૂતરાઓનો જોરથી ભસવાના અવાજ પણ આવે છે. વડોદરા શહેરમાં વરસાદે વિરામ લેતા હવે રોડ પર મગરો જોવા મળી રહ્યા છે. ૮ દિવસ પહેલા જાંબુવા નદીમાં પૂર આવતા મગર નદીમાંથી બહાર નીકળી આવ્યો હતો અને રોડ પરથી પસાર થતો જોવા મળ્યો હતો. રોડ પર મગરને જોઈને બે બાઇક ચાલકો રોડ પર ઉભા રહી ગયા હતા અને મગર ગયા બાદ ત્યાંથી નીકળ્યા હતા. જાંબુવા નદીમાંથી મગર બહાર નીકળતા જાંબુવા ગામના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પહેલા વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા હિરાવંતી ચેમ્બર્સમાં મગર આવી ગયો હતો.
મગરને જોઇ રસ્તાઓ ઉપર રખડતા કૂતરાઓએ જોર જોરથી ભસવાનું શરૂ કર્યું હતું. કૂતરાઓ જોર જોરથી ભસતા હોવાથી નજીકમાં રહેતા એક વ્યક્તિ પથારીમાંથી ઉભા થઇ ગયા હતા અને ભસી રહેલા કૂતરાઓને ભગાવવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મગરને જોતા એક તબક્કે ચોંકી ઉઠ્યા હતા. અને મગરને જોઇ કૂતરાઓ ભસી રહ્યા હોવાનું જણાયું હતું. ઉલ્લેખનિય છે કે, વિશ્વામિત્રી નદી બાદ જાંબુવા અને ઢાઢર નદીમાં મોટાપાયે મગરો વસવાટ કરે છે અને વરસાદ બાદ મગરો નદીમાંથી બહાર નીકળવાની ઘટનાઓ સામે આવે છે.
વડોદરા શહેરમાંથી ૧૭ કિલોમીટરના વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ૨૫૦થી ૩૦૦ મગર છે. આ સિવાય આજવા ડેમ, દેવ નદી, ઢાઢર નદી અને વડોદરા શહેર જિલ્લાના તળાવો મળી અંદાજે ૧૦૦૦ મગર છે.