કચ્છમાં કોરોના હોસ્પિટલમાં ફાયર સેફટીની ચકાસણી હાથ ધરાઈ
કચ્છ જિલ્લામાં ત્રીજા તબક્કામાં કોરોના સંક્રમણમાં સતત વધારાના પગલે કોવિડ દર્દીઓની સંખ્યમાં પણ ઉમેરો થઈ રહ્યો છે. ત્યારે ગત વર્ષે દેશ અને રાજ્યની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાઓનાથી ભારે જાનમાલની નુકસાની થઈ હતી. જેનું કચ્છમાં પુનરાવર્તન ના થાય તે હેતુસર તંત્ર દ્વારા ભુજ અને ભચાઉની હોસ્પિટલમાં ફાયર સેફટીની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
ભુજ તાલુકાની ૪૦ પૈકી ૧૩ જેટલી કોવિડ હોસ્પિટલમાં કલેક્ટર અને ચીફ ઓફિસરની સુચનાના પગલે ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન ત્રણ હોસ્પિટલમાં ફાયર સેફટી માટે લેવામાં આવતી એનઓસી મેળવાઈ ના હોવાનું સામે આવ્યું હતું.કચ્છમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં શનિવારે ૮૭ નવા કેસ સામે આવતા ફફડાટ વ્યાપ્યો છે. આ સાથે જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૬૨૭ થઈ છે. જોકે, આ વચ્ચે રાહતની વાત એ છે કે ૨૧ દર્દી સ્વસ્થ થતા ઘરે પરત ફર્યા છે. ભુજ અને ભચાઉની કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનોની ફાયર વિભાગ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
શનિવારે નોંધાયેલા કેસમાં ભુજ શહેર ૧૭ ગ્રામ્ય ૪, ગાંધીધામ શહેર ૨૫ ગ્રામ્ય ૧૧, માંડવી ગ્રામ્ય ૨, ભચાઉ શહેર ૧૦ ગ્રામ્ય ૩, મુન્દ્રા શહેર ૧૦ ગ્રામ્ય ૨, લખપત ગ્રામ્ય ૨, અબડાસા ગ્રામ્યમાંથી ૧ કેસ સામે આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસની સંખ્યા કુલ ૧૩,૮૬૧ અને સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા ૧૩૧૩૮ છે. કુલ મૃત્યુ આંક ૨૮૨ નોંધાયેલા છે. ઓમિક્રોનના કુલ ૭ દર્દી સારવાર લઈ રહ્યા છે. કચ્છમાં નવા વર્ષથી જ કોવિડે માથું ઉંચકતાં ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં હાલે દૈનિક ૨ હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં પરિસ્થિતિની નજરે પરીક્ષણની સંખ્યામાં વધારો થવાની પણ શક્યતા છે. દરમિયાન છેલ્લા ૨૦ માસમાં હોસ્પિટલની મોલીક્યૂલર લેબમાં કોવિડના ૩ લાખ કરતાં વધુ ટેસ્ટ કરાયા હોવાનો દાવો કરાયો હતો.