કાલોલ જીઆઇડીસીની ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા ચકચાર
પંચમહાલ જિલ્લાની કાલોલ જીઆઇડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. અને આગ લાગ્યા બાદ ધડાકા થતાં કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઇ હતી અને આગના ધૂમાડા ૪થી ૫ કિ.મી. દૂર સુધી જોવા મળ્યા હતા. જોકે, સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી.
કાલોલ જીઆઇડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં વિકરાળ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ઘૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. કાલોલ બસ સ્ટેન્ડ સુધી આગના ઘૂમાડા જોવા મળ્યા હતા. આગ લાગ્યા બાદ કંપનીમાં ધડાકા પણ થયા હતા. જેને પગલે કાલોલ નગરપાલિકા અને હાલોલ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી ગઇ હતી અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આગમાં પ્લાસ્ટીક અને ડનલોપ સહિતની વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં કાલોલ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. કાલોલ સહિત પંચમહાલ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં અવારનવાર આગની ઘટનાઓ બનતી રહે છે.