ઉત્તરાયણઃ વાપીમાં પતંગનાં દોરાથી એક જ દિવસમાં ૧૨ પક્ષીઓ ઘાયલ
ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરી પક્ષીઓ માટે જીવલેણ બનતી હોય છે. પતંગની દોરીમાં ફસાયેલ પક્ષોઓને બચાવવા દર વર્ષે ખાસ કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. આ અભિયાનના સેવાભાવી સંસ્થાઓએ વાપીમાં ૯ કબૂતર અને ૧ ઘુવડને બચાવી જીવનદાન આપ્યું હતું. ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીમાં ઘાયલ થતા પક્ષીઓને બચાવી શકાય તે માટે વલસાડ વનવિભાગ, શ્રી વર્ધમાન સેવા મંડળ વાપી દ્વારા કરુણા અભિયાન હેઠળ પક્ષોઓને બચાવી તેની સારવાર નો કેમ્પ રાખ્યો હતો.
કરુણા અભિયાન હેઠળ શહેરના વિવિધ વિસ્તારમાં ૨૦ જેટલા સેવાભાવી યુવાનોએ પતંગની દોરીમાં ફસાયેલ ૧૨ જેટલા પક્ષીઓને દોરીમાંથી મુક્ત કરી સારવાર કેમ્પમાં સારવાર આપી હતી. જોકે, ૧૨ પક્ષીઓમાં ૯ કબૂતરને અને એક ઘુવડને બચાવી લેવામાં સફળત મળી હતી. જ્યારે ૨ કબૂતર દોરીમાં ફસાયા બાદ વધુ પડતું લોહી વહી જતા બચ્યાં નહોતા.
મકરસંક્રાંતિ પર્વ અગાઈ જ જિલ્લામાં બર્ડ ફ્લૂનાં કેસો પણ નોંધાયા હોવાથી જીવદયા પ્રેમીઓએ ખાસ પી.પી.ઈ કીટ પહેરીને સાવચેતી રાખી પક્ષીઓને પતંગની દોરીથી જીવ ગુમાવતા બચાવ્યા હતાં. ઘાયલ પક્ષીઓને સારવાર કેમ્પમાં સારવાર આપી સુરક્ષિત કર્યા હતાં. જ્યારબાદ પક્ષીઓને તેમના કુદરતી આશ્રયસ્થાનો પર છોડી દેવાયા હતા.