ગીર સોમનાથના ચીખલીમાં ૧૦૦ મરઘાઓના મોતથી ફફડાટ
રાજ્યમાં ફરી બર્ડ ફ્લૂની આશંકાએ લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ પક્ષીઓના શંકાસ્પદ મોત થવાની ઘટનાઓ સામે આવી છે. ગીર સોમનાથના ચીખલીમાં ૧૦૦ જેટલા મરઘાઓના મોત થયા છે. તો વડોદરાના કરજણમાં ૨૦થી વધુ કબુતરોના મોત થયા છે. કબુતરના મોત થતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્રમાં પમ દોડધામ મચી ગઈ છે. વનવિભાગે મૃત કબુતરોના સેમ્પલ લઈ ભોપાલ લેબમાં તપાસ માટે મોકલવાની કામગીરી શરૂ કરી છે.
તો વડોદરા શહેરમાં આવેલી રિલાયન્સ ટાઉનશિપમાં ૩ મોર મૃત હાલતમાં મળી આવ્યા છે. આમ જિલ્લામાં પક્ષીઓના થઈ રહેલા મોત બાદ લોકોમાં ડરનો માહોલ છે. રાજ્યમાં ફરી એક વખત બર્ડફ્લૂની દહેશત ફેલાય છે. સિંધરોટ ગામે ૩૦ મરઘાના મોત થયા હતા. જેને ખેડૂતે જમીમાં દાટી દીધા છે. હાલ તો તંત્રએ મૃત પક્ષીઓના સેમ્પલ તપાસ માટે ભોપાલ લેબમાં મોકલી આપ્યા છે.
ગીર સોમનાથના ઉનાના ચીખલી ગામે ફાર્મ હાઉસમાં ૧૦૦ જેટલા મરઘાના મોતથી ફફડાટ ફેલાયો છે. છેલા એક અઠવાડિયામાં ૧૦૦થી વધુ મરઘા મોતને ભેટ્યાછે. ફાર્મ હાઉસ માલિકનું કહેવું છે કે અત્યારે ચાર મરઘાઓ જીવન-મોત વચ્ચે જીવી રહ્યાં છે. ફાર્મ હાઉસ માલિક દ્વારા મરઘીઓના મોતને લઈ ખુલાસો કરાયો છે કે ૮૦ જેટલા મરઘાને વન્ય પ્રાણીએ ઇજા પહોંચાડી હતી. જો કે અન્ય મરઘીઓના ભેદી રોગ કે ખોરાકમાં આવેલા ફેરફારને કારણે મોત થયા હોય તેમ લાગી રહ્યું છે.