દેશના ૯ રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત : સરકારે એડવાઇઝરી જાહેર કરી
દિલ્હી,મહારાષ્ટ્ર,યુપી,એમપી, રાજસ્થાન-ગુજરાતમાં બર્ડ ફ્લુની પુષ્ટિ
મહારાષ્ટ્રના પરભણીમાં ૯૦૦ મરઘીઓના મોતથી લોકોમાં ફફડાટ, દિલ્હીમાં આઠ પક્ષીમાં બર્ડફ્લુની પુષ્ટિ
દિલ્હીમાં જીવંત પક્ષીઓની આયાત પર પ્રતિબંધ,મહારાષ્ટ્રમાં પક્ષીઓના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ
ઉત્તર પ્રદેશના કાનપુરના ચિડિયાઘરમાં મરી ગયેલા પક્ષીઓના સેમ્પલ પોઝિટિવ આવ્યા
કોરોના વાયરસ સંક્રમણની વચ્ચે બર્ડ ફ્લૂ મોટો ખતરો બની રહ્યા છે અને મહારાષ્ટ્ર બાદ દિલ્હીમાં પણ તેની પુષ્ટિ થઇ ચૂકી છે. મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના મુપરમ્બા ગામમાં બર્ડ ફ્લૂથી ૯૦૦ મરઘીના મોત થયા છે. તો દિલ્હીમાં પણ ૮ પક્ષીમાં બર્ડફ્લૂની પુષ્ટિ થઇ છે.
આપને જણાવી દઇએ કે કેરળથી શરૂ થયેલ બર્ડ ફ્લૂ અત્યાર સુધી ૯ રાજ્યોને પોતાની ઝપટમાં લઇ ચૂકયું છે. બર્ડ ફ્લૂ કેરળ સિવાય ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તર પ્રદેશ પહોંચી ચૂકયો છે. આ રાજ્યોમાં કાગડાઓ સિવાય મોટી સંખ્યામાં બીજા પક્ષીઓના મોત થયા છે. ત્યારબાદ ખતરાને જોતા અન્ય રાજ્યોના પશુ અને પક્ષી વિભાગોને એલર્ટ પર રાખી દેવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં ૯૦૦ મરઘીઓનાં મોત પછી નમૂનાઓ ભોપાલ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં અહેવાલમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઇ છે. ત્યારબાદ ૧ કિલોમીટરના અંતર્ગત આવતા તમામ પોલ્ટ્રી ફાર્મમાં હાજર તમામ મરઘાં અને અન્ય પક્ષીઓને ખત્મ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. તેની સાથે જ ૧૦ કિમીની અંદર આવતા તમામ પક્ષીઓની ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રશાસને આ ગામને સંક્રમિત ઝોન જાહેર કર્યો છે અને ગામના તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.
બર્ડ ફ્લૂના જોખમને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે કડક પગલા લીધા છે અને ૧૦ દિવસ માટે પૂર્વ દિલ્હીની ગાઝીપુર મુર્ગા મંડીને બંધ કરી દીધી છે. આ સિવાય સરકારે જીવંત પક્ષીઓની આયાત પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
કેન્દ્ર સરકારે બર્ડ ફ્લૂના જોખમ પર નજર રાખવા માટે કંટ્રોલ રૂમ બનાવ્યો છે અને કેન્દ્રીય પશુપાલન મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને જરૂરી દિશા નિર્દેશ રજૂ કરી દીધો છે. તેની સાથે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની કેટલીક ટીમો ઘણા રાજ્યોના અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી છે જેની દેખરેખ રાખવી જોઈએ.