આગામી કેટલાક દિવસો સુધી પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં હીટ વેવની સ્થિતિ યથાવત રહી શકે છે : ભારતીય હવામાન વિભાગ
ભારતીય હવામાન વિભાગ એ સોમવારે જણાવ્યું હતું કે, પૂર્વ ભારતના ભાગોમાં આગામી ૪ દિવસ અને દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ૨ દિવસ સુધી ગરમીની લહેર ચાલુ રહેવાની ધારણા છે. પશ્ચિમ બંગાળ અને બિહારમાં ગંગાના મેદાનોમાં સતત ૪ દિવસ સુધી હીટ વેવની સ્થિતિ ચાલુ રહી શકે છે. સિક્કિમ, ઓડિશા અને ઝારખંડમાં પણ આગામી ૨ થી ૩ દિવસ સુધી આકરી ગરમી પડી શકે છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે, ૧૭ એપ્રિલે પંજાબ અને હરિયાણાના વિવિધ વિસ્તારોમાં અને ૧૮ એપ્રિલે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તીવ્ર ગરમીની લહેર આવવાની આગાહી છે. પૂર્વી ઉત્તર પ્રદેશ પણ ૧૮-૧૯ એપ્રિલના રોજ ભારે ગરમીથી પ્રભાવિત થઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં, ગંગાના મેદાનોમાં છેલ્લા ૬ દિવસથી, જ્યારે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ૪ દિવસ અને બિહારમાં ૩ દિવસથી હીટવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં રચાયેલી પશ્ચિમી વિક્ષેપ મંગળવારથી ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત લાવશે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં ૧૮ થી ૨૦ એપ્રિલ સુધી વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. ૧૮ એપ્રિલે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદની આશંકા છે.
બીજી તરફ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ૧૮-૧૯ એપ્રિલે ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં કેટલીક જગ્યાએ કરા પડી શકે છે.