ગ્લોબલ વોર્મિંગ માટે અમીર દેશો જવાબદાર, ગરીબ દેશો ભોગવી રહ્યા છે : વડાપ્રધાન મોદી
જી- ૨૦ દેશોના વિદેશમંત્રીઓની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું જી૨૦ની બેઠક માટે તમામ વિદેશમંત્રીઓનું ભારતમાં સ્વાગત કરું છું. આ બેઠક એકતાનો સંદેશ આપે છે. મને આશા છે કે આજની આ બેઠક અમારા ઉદ્દેશોને પ્રાપ્ત કરવા માટે એકસાથે આવવાની ભાવના દર્શાવશે. મોદીએ કહ્યું હતું કે ઘણા વિકાસશીલ દેશો હાલમાં ફૂડ અને અનર્જી સિક્યોરિટી માટે દેવાંના બોજ હેઠળ દબાઈ ગયા છે, જેને તેઓ સંભાળી શકતા પણ નથી. અમીર દેશોએ જે ગ્લોબલ વોર્મિંગ કર્યું છે એની સૌથી વધુ અસર ગરીબ દેશો પર પડી રહી છે. આ કારણે ભારતે ય્૨૦ પ્રેસિડન્સી હેઠળ ગ્લોબલ સાઉથનો અવાજ બનવાનો પ્રયાસ કર્યો છે. અમે એવા સમયે મળીએ છીએ, જ્યારે વિશ્વ ઘણું જ વિભાજિત થઈ ગયું છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણે આર્થિક કટોકટી, જળવાયુ પરિવર્તન, મહામારી, આતંકવાદ અને યુદ્ધ જોયાં છે. આના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે ગ્લોબલ ગવર્નેન્સ નિષ્ફળ ગયું છે. વિશ્વના સૌથી વધુ મહત્ત્વના મુદ્દાઓને હેન્ડલ કરવા માટે રચાયેલી સંસ્થાઓ સૌથી મોટા પડકારોને પહોંચી વળવામાં નિષ્ફળ રહી છે. લગભગ પાંચ મહિના બાદ રશિયા અને અમેરિકા ઉપરાંત ચીનના વિદેશમંત્રી એક જ પ્લેટફોર્મ પર હાજર છે. આમ તો આ સત્ર બુધવારથી જ શરૂ થઈ ગયું છે, પરંતુ મહત્ત્વની ચર્ચા આજે થઈ રહી છે.બેઠકના એક દિવસ પહેલાં ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ એ વાતને ફરીથી જણાવી હતી જે થોડા મહિના પહેલાં વૈશ્વિક હેડલાઇન્સ બની હતી. ત્યારે વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કહ્યું – આ યુદ્ધનો સમય નથી, પરંતુ વાતચીત કરવાનો છે.એવું માનવામાં આવે છે કે બેઠક દરમિયાન અથવા તેથી અલગ ભારતના વિદેશમંત્રી જયશંકર રશિયા-યુક્રેન યુદ્ધને રોકવા માટે સંબંધિત પક્ષો સાથે વાતચીત કરશે. અત્યારસુધી ઓછામાં ઓછા ત્રણ પ્રસંગો એવા હતા, જ્યારે અમેરિકાએ ઓપન ફોરમ પર કહ્યું હતું કે ભારતે યુદ્ધને રોકવા માટે તેના પ્રભાવનો ઉપયોગ કરવો જોઈએ.
ચીને થોડા દિવસ પહેલાં રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે એક પ્રસ્તાવ મૂક્યો હતો. આમાં ચાર મુદ્દા હતા. આશ્ચર્યની વાત એ છે કે ચારમાંથી ત્રણ મુદ્દા એવા હતા કે એવું લાગતું હતું કે યુદ્ધ રશિયાએ નહીં, પરંતુ યુક્રેન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. માત્ર એક પોઈન્ટમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે રશિયાને અપીલ કરવામાં આવી છે. એકંદરે ચીને રાજદ્વારી લાભ મેળવવા માટે આ ચાલ ચાલી છે. આ જ કારણ છે કે કોઈએ આ પ્રસ્તાવને ગંભીરતાથી લીધો નથી. દરમિયાન રાયસીના ડાયલોગની ૮મી આવૃત્તિ આજથી દિલ્હીમાં શરૂ થશે. એનાં મુખ્ય મહેમાન ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની દિલ્હી પહોંચી ગયાં છે.
મેલોની ઈટાલીનાં પ્રથમ મહિલા વડાપ્રધાન છે. ઓક્ટોબર ૨૦૨૨માંPM બન્યાં પછી તેઓ પ્રથમ વખત ભારતની મુલાકાતે આવ્યાં છે. આ દરમિયાન બંને નેતાની વચ્ચે રાજકીય, સંરક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, એનર્જી અને હેલ્થના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બીજી તરફ, રાયસીના ડાયલોગ ૩ દિવસ (૨-૪ માર્ચ) સુધી ચાલશે. આ કોન્ફરન્સમાં ૧૦૦ દેશના પ્રતિનિધિ સામેલ થશે. એનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ૬ઃ૩૦ વાગ્યે કરશે. આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે ભારત જી-૨૦ દેશોની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ હિસાબથી એને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. દિલ્હીનાં હૈદરાબાદ હાઉસમાં ઈટાલીનાં વડાંપ્રધાન મેલોનીએ પીએમ મોદી સાથે દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરી હતી.
વિદેશ મંત્રાલય મુજબ, રાયસીના ડાયલોગ ૨૦૨૩માં ૧૦૦થી વધુ દેશોના પ્રતિનિધિ ભાગ લેશે. એમાં મંત્રી, પૂર્વ રાષ્ટ્ર અધ્યક્ષ અને સરકારના પ્રમુખ, સૈન્ય કમાન્ડર, ઉદ્યોગના સાહસિકો, ટેક્નોલોજી લીડર, વ્યૂહાત્મક મામલાઓના તજજ્ઞો, શિક્ષણશાસ્ત્રી, પત્રકાર સહિતના મહાનુભાવો સામેલ થયા છે. એને વિદેશ મંત્રાલય ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન સાથે મળીને આયોજિત કરે છે. છેલ્લાં આઠ વર્ષમાં રાયસીના ડાયલોગનો પ્રભાવ જુદાં-જુદાં ક્ષેત્રો પર સતત પડી રહ્યો છે, સાથે જ સમારોહની ઓળખ આંતરરાષ્ટ્રીય સ્તરે મેજર ગ્લોબલ કોન્ફરન્સ તરીકે થઈ છે.