ખેડૂતો ૨-૩ દિવસ રહેજો તૈયાર, ગુજરાતનાં આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઇ શકે : IMD
દેશભરમાં આજકાલ વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. કેટલાક સ્થળોએ કાળઝાળ ગરમી પડી રહી છે તો કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે. ગુજરાતીઓ હાલ બે ઋતુનો માર ખાઇ રહ્યા છે. સવારે અને રાતે ઠંડક અનુભવાઇ છે તો બપોરે કાળઝાળ ગરમી પડે છે. ત્યારે હવામાન વિભાગે હવે માવઠાની પણ આગાહી કરી દીધી છે. હવામાન વિભાગે ગુજરાતના અનેક વિસ્તારોમાં ચાર અને પાંચ તારીખે માવઠાની આગાહી કરી છે.
હવામાન વિભાગના સુપરિટેન્ડ્ન્ટ, મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, આગામી પાંચના વાતાવરણની વાત કરીએ તો, ત્રીજા દિવસે એટલે ત્રીજી તારીખે વાદળછાયું વાતાવરણ સર્જાશે. જ્યારે ચાર અને પાંચ માર્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસવાની સંભાવના છે.ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે અન્નદાતાઓમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. અરવલ્લી અને સુરતમાં હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર એલર્ટ બન્યું છે. અરવલ્લી પથંકમાં કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. તા.૪ થી ૬ માર્ચ બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા છે. જિલ્લા રજિસ્ટ્રારે તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી અને ચેરમેનને સાવચેતી રાખવાની જાણ કરાઈ છે. હાલ રાજસ્થાન પર સરક્યુલેશન બનવાની સંભાવના છે. આ સાથે રાજ્યમાં હવાની દિશા પણ બદલાઇ રહી છે. જેના કારણે ભેજનું પ્રમાણ પણ વધશે. માર્કેટયાર્ડમાં આવેલા પાકને સચેતસ્થળે ખસેડવા સૂચના જારી કરાઈ છે. મંગળવારે ગરમી અંગે આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું હતુ કે, ‘૪૮ કલાક લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. ત્યારબાદના ૩ દિવસમાં લઘુતમ તાપમાન બેથી ચાર ડિગ્રી વધી શકે છે. આગામી ૪૮ કલાક બાદ મહત્તમ તાપમાનમાં પણ ચાર ડિગ્રીનો વધારો થશે. જેના કારણે ગરમીનું પ્રમાણ વધશે.’જિલ્લા રજિસ્ટ્રારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓને પત્ર લખી જાણ કરી છે.