‘‘ક્લિન ગ્રીન એનર્જી યુકત ગુજરાત’’ને દેશભરના રાજ્યોની પ્રસ્તુત ઝાંખીમાં સૌ પ્રથમ ક્રમ મળ્યો
૭૪-મા ગણતંત્ર દિવસે પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલા ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો ”પીપલ્સ ચોઈસ એવોર્ડ”માં અવ્વલ ક્રમે – પુનઃપ્રાપ્ય ઊર્જાથી દેશ અને દુનિયાને નવો રાહ ચિંધવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને મૂર્તિમંત કરતા ગુજરાતના ટેબ્લો-‘‘ક્લિન ગ્રીન એનર્જી યુકત ગુજરાત’’ને દેશભરના રાજ્યોની પ્રસ્તુત ઝાંખીમાં સૌ પ્રથમ ક્રમ મળ્યો – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા બદલ સૌનો આભાર માન્યો – કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટના હસ્તે નવી દિલ્હીમાં ગુજરાતને મળ્યું ગૌરવ સન્માન – Gov Platform દવારા ટેબ્લોઝની શ્રેષ્ઠતા પસંદગી માટે દેશની જનતા પાસેથી ઓનલાઇન વોટિંગ –પીપલ્સ ચોઇસ એવોર્ડમાં ગુજરાતનો ટેબ્લો સૌથી વધુ વોટ શેર સાથે પ્રથમ ક્રમે – સોલાર એનર્જી-વીન્ડ એનર્જી-મોઢેરા સોલાર વિલેજ સહિતની ગુજરાતની ઊર્જા ક્રાંતિની પ્રસ્તુતિ રાષ્ટ્રીય સ્તરે ઝળકી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ અને દુનિયાને પુનઃપ્રાપ્ય ઊર્જાના વધુને વધુ ઉપયોગથી સ્વચ્છ અને હરિત ઊર્જાના વિનિયોગની પ્રેરણા આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે વડાપ્રધાનશ્રીની આ પ્રેરણા ઝિલી લઇને ‘‘ક્લિન ગ્રીન એનર્જી યુકત ગુજરાત’’ થીમ આધારિત ઝાંખી ૭૪મા ગણતંત્ર દિને નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રસ્તુત કરી હતી.
૭૪મા પ્રજાસત્તાક પર્વની આ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અને પરેડમાં નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર રજુ થયેલી ૧૭ રાજ્યોની વિવિધ ઝાંખીમાંથી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત કરાયેલ ટેબ્લો ‘ક્લિન ગ્રીન એનર્જી યુકત ગુજરાત’ને પીપલ્સ ચોઇસ એવોર્ડઝ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે.
પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં પ્રતિવર્ષ દેશભરના રાજ્યો અને વિવિધ વિભાગો દ્વારા ટેબ્લોઝ પ્રસ્તુત કરવામાં આવે છે. ર૦ર૩ની આ વર્ષની પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં દેશના ૧૭ રાજ્યો તથા ૬ મંત્રાલયો મળીને કુલ ર૩ ટેબ્લોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે આ વર્ષની પરેડમાં ક્લિન અને ગ્રીન એનર્જી યુકત ગુજરાતની ઝાંખી દર્શાવતો ટેબ્લો પ્રસ્તુત કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગુજરાતે બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો, સૌર-પવન ઊર્જાના મહત્તમ ઉપયોગથી ક્લિન ગ્રીન એનર્જી ઉત્પાદન અને ઉપયોગનો ધ્યેય સફળતાપૂર્વક પાર પાડ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન એશિયાનો સૌપ્રથમ સોલાર પાર્ક પાટણના ચારણકા ખાતે સ્થાપ્યો હતો. માત્ર એટલું જ નહીં ક્લાયમેટ ચેન્જ વિભાગ શરૂ કરનારૂ ભારતનું પ્રથમ રાજ્ય પણ ગુજરાત બન્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં કચ્છ ખાતે દુનિયાનો સૌથી મોટો હાઇબ્રીડ રીન્યુબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે. રિન્યુએબલ એનર્જીને હાર્નેસ કરવાની દિશામાં ગુજરાતની આ બેજોડ ઉપલબ્ધિને આ વખતની ૨૬મી જાન્યુઆરીની પરેડમાં ઝાંખી-ટેબ્લોના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવી હતી.
આ ટેબ્લોમાં કચ્છના ખાવડા ખાતે આકાર લઇ રહેલા દુનિયાના સૌથી વિશાળ હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક, BESS મારફતે દેશનું સૌ પ્રથમ ૨૪ટ૭ સોલાર ઉર્જા મેળવતું મોઢેરા ગામ, PM KUSUM યોજના મારફત સોલાર રૂફટોપથી ઉર્જાથી ખેડૂતોને ખેતીમાં સિંચાઈ, કેનાલ રૂફટોપથી ઊર્જા ઉત્પાદનથી રાજ્યમાં થયેલી સુખદ ઉર્જાક્રાંતિને પ્રદર્શિત કરવામાં આવી હતી. આ સાથે કચ્છના ભાતીગળ પહેરવેશ, ભૂંગા, સફેદ રણ, માટીના કલાત્મક લીંપણ, રણના વાહન ઊંટ તેમજ ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સરીખા રાસ-ગરબાને પણ દર્શાવવામાં આવ્યા હતા.
ગુજરાતે સોલાર અને વિન્ડ જેવા ક્લિન-ગ્રીન અને પુનઃ પ્રાપ્ય ઉર્જાના સંસાધનોનો ઉપયોગ કરી વિશ્વને ઉર્જાક્ષેત્રે આર્ત્મનિભર થઇ પર્યાવરણનું જતન કરવાની દિશામાં નવતર માર્ગ ચીંધ્યો છે ત્યારે ”ક્લિન અને ગ્રીન એનર્જી યુક્ત ગુજરાત”ના વિષય આધારિત ટેબ્લો તા.૨૬ જાન્યુઆરી, ૨૦૨૩ની પરેડમાં સૌના આકર્ષણનું કેંદ્ર બન્યો હતો.
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે વર્ષ-૨૦૨૨થી ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે ”My Gov platform” મારફતે દેશની આમજનતા પાસેથી મત મેળવીને પરેડમાં ભાગ લેનારી સૈન્ય ટુકડીમાંથી શ્રેષ્ઠ ટુકડી અને રાજ્યો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી સાંસ્કૃતિક ઝાંખીમાંથી શ્રેષ્ઠ ઝાંખી પસંદ કરી ”પીપલ્સ ચોઈસ એવોર્ડ” આપવાનો પ્રારંભ કર્યો છે.
આ વર્ષે, તા. ૨૬ થી ૨૮ જાન્યુઆરી, ૨૦૨૩ દરમિયાન ઓનલાઈન વોટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ વોટ્સ પૈકી સૌથી વધુ વોટ્સ ગુજરાતની ઝાંખીને પ્રાપ્ત થયા હતા અને ગુજરાતનો ટેબ્લો દેશભરના રાજ્યોમાં પીપલ્સ ચોઇસ એવોર્ડ કેટેગરીમાં અગ્રીમ વિજેતા જાહેર થયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા બદલ સૌનો આભાર માનતા કહ્યું કે, આ જીત ગુજરાતના પ્રત્યેક નાગરિકની જીત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાત નિરંતર નવું કરી દેશ-દુનિયાને માર્ગ ચીંધતું આવ્યું છે. ગુજરાતે રાજ્યની સાંસ્કૃતિક ધરોહરને પુનઃ પ્રાપ્ય ઉર્જાના વિષય સાથે સાંકળી લઈને આ ઝાંખી દ્વારા સુંદર સંદેશ આપવાનો સફળ પ્રયાસ કર્યો છે એમ તેમણે ઉમેર્યુ હતું.
આ પ્રતિષ્ઠિત એવોર્ડ નવી દિલ્હીમાં ૩૧ જાન્યુઆરીએ આયોજીત એવોર્ડ વિતરણ સમારોહમાં કેન્દ્રીય રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટના હસ્તે ગુજરાત સરકારના માહિતી પ્રસારણ સચિવ અને મુખ્યમંત્રીના સચિવ શ્રીમતી અવંતિકાસિંઘ તથા માહિતી નિયામક આર. કે. મહેતાએ સ્વીકાર્યો હતો.
આ ટેબ્લોની પ્રસ્તૃતિમાં નાયબ માહિતી નિયામક પંકજભાઇ મોદી અને સંજય કચોટનું મહત્વનું યોગદાન રહ્યું હતું. ટેબ્લોનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝીંગ પ્રા.લિ. અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું.