ગુજરાતની ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષય આધારિત સાંસ્કૃતિક ઝાંખીએ ગ્રાન્ડ-રિહર્સલમાં અભૂતપૂર્વ આકર્ષણ જમાવ્યું
નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી ‘પરાક્રમ દિવસ”ના નવી દિલ્હી માં આવેલ ”કર્તવ્ય પથ” ખાતેથી ૭૪-મા ગણતંત્ર દિવસની ઉજવણીનો સત્તાવાર પ્રારંભ શરુ થઇ ચુક્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિતના પદાધિકારીઓ અને ત્રણેય સંરક્ષણ દળોના વડાઓએ સૌ પ્રથમ નેતાજી સુભાષચંદ્ર બોઝ તથા દેશની સ્વતંત્રતા કાજે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર પરાક્રમી સપૂતોને ”રાષ્ટ્રીય સમર સ્મારક” ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ દેશના મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયા શ્રીમતી દ્રોપદી મૂર્મુનું શાનદાર સ્વાગત કરી; તેમની ઉપસ્થતિમાં ગણતંત્ર દિવસની પૂર્વ તૈયારીરૂપે આયોજિત થનારી પરેડના ગ્રાન્ડ રિહર્સલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ ગ્રાન્ડ રિહર્સલમાં ગુજરાતની ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષય આધારિત સાંસ્કૃતિક ઝાંખીએ ઉપસ્થિત સૌમાં અનેરુ આકર્ષણ જન્માવ્યું હતું. કચ્છ-મોઢેરાની સાંસ્કૃતિક ઝલક અને સૌર-પવનઊર્જાના વિજ્ઞાનિક-તકનીકી અભિગમનું એકીકરણ કરીને પુનઃપ્રાપ્ય-હરિત અને શુદ્ધ ઊર્જાના નિર્માણ દ્વારા ઊર્જાક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો ઝાંખી દ્વારા જે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે, તેની અત્રે ઉપસ્થિત સૌએ દિલ ખોલીને પ્રશંસા કરી હતી.
૨૩ જાન્યુઆરી, સોમવાર ના રોજ યોજાયેલી પરેડના રિહર્સલમાં ભારતીય સેનાની વિવિધ રેજીમેન્ટ તથા અત્યાધુનિક શસ્ત્રસરંજામનું નિદર્શન થવાની સાથે દેશની વિવિધતામાં એકતાને દર્શાવતી અલગ-અલગ રાજ્યોની ૧૭ ઝાંખીઓ સહીત કુલ ૨૩ ઝાંખીઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સાંસ્કૃતિક ઝાંખીઓના પ્રદર્શન બાદ સેનાના જાંબાઝ સિપાઈઓ દ્વારા બુલેટ પર દર્શાવેલ વિવિધ કરતબો અને વાયુસેનાના ફાઈટર વિમાનોએ દર્શાવેલા જીવ સટોસટના એર-શૉથી ઉપસ્થિત સૌ રોમાંચિત થઇ ઉઠ્યા હતા. આ કાર્યક્રમના અંતે નારીશક્તિનું નિદર્શન કરતુ સંગીતમય નૃત્ય કથાનક અત્યંત પ્રભાવક રહી હતી.