માણાવદર નજીક થયેલા પક્ષીના મોત ખોરાકી ઝેરીને કારણે થયા હોવાનું અનુમાન
અન્ય રાજ્યોમાં બર્ડ ફ્લૂના શંકાસ્પદ કેસો જોવા મળી રહ્યા છે. દેશના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેરળમાં કેટલાક પક્ષીઓના મોત બર્ડ ફ્લૂને કારણે થયા હોવાના ચોંકાવનારા રિપોર્ટ આવ્યા છે. ત્યારે બે દિવસ અગાઉ જૂનાગઢના માણાવદર નજીક આવેલા બાટવા ખારા ડેમ વિસ્તારમાં ૫૦ જેટલા પક્ષીઓના શંકાસ્પદ મોત થયા હતા. આ પક્ષીઓ પૈકી ૪૫ કરતાં વધુ પક્ષીઓ ટીટોડી પ્રજાતિના હોવાનું પણ બહાર આવ્યું છે. સમગ્ર મામલાને લઈને નમૂના પરીક્ષણ માટે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવ્યા હતા. અહીં પક્ષીના મોતનું કારણ બર્ડ ફ્લૂ નહીં હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે, પરંતુ જે પ્રકારે દેશના અન્ય રાજ્યોમાં બર્ડ ફ્લૂને કારણે પક્ષીઓના મોતના મામલા સામે આવી રહ્યા છે.
ત્યારે મૃતક પક્ષીઓના સેમ્પલને વધુ પૃથ્થકરણ માટે રાખવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં કેટલાક નિષ્કર્ષો બાદ પક્ષીઓના મોત ચોક્કસ કારણ જાણવા મળશે. હાલ પ્રાથમિક તારણમાં આ પક્ષીઓના મોત ખોરાકી ઝેરના લીધે થયા હોવાનું સામે આવ્યું છે. કોરોના સંક્રમણના કહેરની વચ્ચે હવે નવો ખતરો ધીમે ધીમે સામે આવી રહ્યો છે. ત્યારે દેશના મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કેરળમાં કેટલાક પક્ષીઓના મોત બર્ડ ફ્લૂને કારણે થયા હોવાની વિગતો બહાર આવતા ગુજરાતમાં પણ ભારે સતર્કતાની સાથે થોડી ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ જૂનાગઢ જિલ્લાના માણાવદર અને બાંટવાની વચ્ચે આવેલા ડેમ વિસ્તારમાં ૫૦ જેટલા પક્ષીઓ મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ મચ્યો હતો.
આ પક્ષીઓ મૃત હાલતમાં મળ્યા હતા. જે પૈકીના ૪૫ કરતા વધુ પક્ષીઓ ટીટોડી પ્રજાતિના હોવાનું બહાર આવ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને તમામ મૃતદેહના સેમ્પલ જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવ્યા હતા. આ સેમ્પલના વૈજ્ઞાનિક ઢબે પૃથક્કરણ કરવામાં આવ્યા હતા. સંગ્રહાલયના અધિકારીઓ સાથે સમગ્ર મામલાને લઈને ટેલિફોનિક વાતચીતમાં મોતનું કારણ બર્ડ ફ્લૂ હોય શકે, તેવી કોઈ ચોક્કસ વિગતો સામે આવી નથી, પરંતુ આ પક્ષીઓના મોત ખોરાકી ઝેરની અસર અને કેટલાક દિવસોથી પડી રહેલી વ્યાપક ઠંડીને કારણે હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.