દેશમાં કોરોના બાદ બર્ડ ફ્લુનો આતંક, અનેક રાજ્યોમાં ચેપ જોવા મળ્યો
બર્ડ ફ્લૂને કેરળે રાજકીય આફત જાહેર કરી, હરિયાણામાં એક લાખ મરઘીનાં મોત
હિમાચલ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશમાં એલર્ટ, કેરળમાં રાજકીય કટોકટી જાહેર કરાઇ, અનેક રાજ્યોમાં મોટી સંખ્યામાં પક્ષીઓના મોતથી ખળભળાટ, સૌ પ્રથમ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ચેપ જોવા મળેલો
હિમાચલ પ્રદેશથી તે છેક કેરળ સુધી ઠેર ઠેર બર્ડ ફ્લૂનો આતંક જોવા મળ્યો હતો. લેટેસ્ટ માહિતી મુજબ હરિયાણામાં બર્ડ ફ્લૂના પગલે એક લાખ મરઘી મરેલી મળી આવી હતી.
બર્ડ ફ્લૂનો ચેપ સૌ પ્રથમ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ એ ચેપ અન્ય સ્થળોએ ફેલાવા માંડ્યો હતો. હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત અને હવે કેરળમાં પણ બર્ડ ફ્લૂ જોવા મળ્યો હોવાના અહેવાલ હતા. આવું બનતાં રાજ્ય સરકારોએ રેડ એલર્ટ જાહેર કરી હતી. કેરળે તો આને રાજકીય આફત જાહેર કરી છે.
મધ્ય પ્રદેશમાં છેલ્લા દસ દિવસમાં આશે છસો કાગડા મરેલા મળી આવ્યા હતા. એમાંય સૌથી વધુ મોત ઇંદોરમાં જોવા મળ્યા હતા. રાજ્યના પશુપાલન ખાતાના પ્રધાન પ્રેમ સિંઘે મિડિયાને કહ્યું કે મરેલા કાગડાના અંશો ડીઆઇ લેબમાં મોકલાયા હતા. મંદસૌર વિસ્તારમાં મરેલા કાગડામાં બર્ડ ફ્લૂ હોવાના પુરાવા મળી ગયા હતા.
મોટે ભાગે પોલ્ટ્રી ક્ષેત્રના લોકોમાં આ રોગ ઝડપભેર ફેલાઇ શકે છે. કેરળમાં બતકો મરેલી મળી આવી હતી. હિમાચલ પ્રદેશમાં કાંગડા વિસ્તારમાં પોંગ બંધ વિસ્તારમાં વિદેશથી આવેલા હજારો પક્ષીઓ મરેલા મળી આવ્યા હતા. ત્યારબાદ પોંગ ડેમ વિસ્તારમાં ઇંડાં અને માંસ વેચવા પર તત્કાળ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
હવે હરિયાણાના બરવાલા વિસ્તારમાં રહસ્યમય રીતે એક લાખ મરઘી મરેલી જોવા મળી હોવાના અહેવાલે દહેશતનું વાતાવરણ સજ્ર્યું હતું. ૧૧૦ પોલ્ટ્રી ફાર્મમાંના બે ડઝન પોલ્ટ્રી ફાર્મમાં મુરઘી ટપોટપ મરણ પામી હતી. રાજ્યના પશુપાલન વિભાગે મરેલી મુરઘીના અંશો જાલંધરની રિજ્યોનલ ડિસીઝ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીમાં મોકલ્યા હતા.
ગુજરાતમાં જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાંટવા નજીક એક સાથે ૫૩ પક્ષી મરેલાં મળી આવ્યાં હતાં. આ રિપોર્ટ મળતાં વન વિભાગની ટુકડી ત્યાં પહોંચી ગઇ હતી અને મરેલાં પક્ષીઓના પોસ્ટમોર્ટમ માટેની વ્યવસ્થા હાથ દરી હતી.
અત્યારે હજુ કોરોનાની રસી આપવાની વ્યવસ્થા થઇ રહી હતી ત્યાં બર્ડ ફ્લૂના રિપોર્ટ આવ્યા હતા. આ રોગ પક્ષીઓ દ્વારા માણસમાં ફેલાતો હોય છે.