ફટાકડાની ફેક્ટરીમાં ભંયકર વિસ્ફોટ, આગ લાગવાથી ૫ના મોત; ૧૦ લોકો ઘાયલ
તમિલનાડુના મદુરાઈ જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જિલ્લાના થિરુમંગલમમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાથી પાંચ લોકોના મોત થયા છે. હાલમાં અહીં બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. મદુરાઈના એસપી આર. શિવ પ્રસાદે કહ્યું- પાંચ લોકોના મોત થયા છે. આ ફટાકડા બનાવવા અને સ્ટોર કરવા માટેનું વેરહાઉસ છે. અમે દુર્ઘટનાનાં કારણની તપાસ કરી રહ્યા છીએ. મળતી માહિતી મુજબ ૧૦ ઘાયલોની સારવાર ચાલી રહી છે.
તપાસકર્તાઓનું કહેવું છે કે જે કંપનીના વેરહાઉસમાં આગ લાગી હતી તે કંપની પાસે ફટાકડા બનાવવાનું લાઇસન્સ હતું. અન્ય એક તપાસકર્તાએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે શરીરના તો ચિથડા ઉડી ગયા હતા. ઘટનાના વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે મૃતદેહો ગોડાઉનમાં છત પર કેવી રીતે લટકી રહ્યા છે. મૃતકોની ઓળખ અમ્માવાસી, વલ્લરાસુ, ગોપી, વિકી અને પ્રેમા તરીકે થઈ છે. બીજી તરફ ઘાયલ થયેલા દસ મજૂરોની હાલત પણ નાજુક છે. પોલીસને આ દર્દનાક અકસ્માતની માહિતી મળતા જ પોલીસ-પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી . પુરાવા એકત્ર કરવાની સાથે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે અકસ્માત કેવી રીતે થયો.
બ્લાસ્ટને કારણે ઈમારતના કેટલાક ભાગોને પણ અસર થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ બુઝાવવા માટે બે ફાયર બ્રિગેડને મોકલવામાં આવી છે. મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે.