ગુજરાત મોરબી દુર્ઘટના બાદ હવે આ રાજ્યમાં ૨,૧૦૯ બ્રિજની થશે તપાસ
ગુજરાતના મોરબીમાં લગભગ ૧૦૦ વર્ષ જૂનો સસ્પેન્શન બ્રિજ તુટી ગયા પછી પશ્ચિમ બંગાળ સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. રાજ્ય સરકાર તરફથી અહીં હાજર તમામ ૨,૧૦૯ બ્રિજની “સ્વસ્થ તપાસ” કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે, એટલે કે, તેની મજબૂતાઈ અને અન્ય પરીક્ષણો, જેથી સમયસર કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય. મોરબી બ્રિજ દુર્ઘટનામાં ૧૩૫થી વધુ લોકોના મોત બાદ રાજ્ય સરકારે વરિષ્ઠ અધિકારીઓ અને એન્જિયરોની સાથેની બેઠકમાં આવું કરવાનો ર્નિણય લીધો હતો.
રાજ્ય સરકારના જાહેર બાંધકામ વિભાગના પ્રધાન પુલક રોયે, વરિષ્ઠ અધિકારીઓ અને એન્જિયરોની સાથેની બેઠક દરમિયાન, તેમને તમામ પુલોની સ્થિતિનું નિરીક્ષણ કરવા અને નવેમ્બરના અંત સુધીમાં જરૂરી ખામીઓ સાથેનો અહેવાલ ફાઇલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. રોયે એન્જિનિયરોને સૂચના આપી હતી કે, જો સર્વેમાં બ્રિજની કોઈ સમસ્યા જણાય તો તેના પર તાત્કાલિક કામ કરવામાં આવે. આ બેઠકમાં સિલીગુડીમાં કોરોનેશન બ્રિજ અને કંગસાબતીમાં બિરેન્દ્ર સાસમલ સેતુને વહેલી તકે ઠીક કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.
સંત્રાગાચી પુલના સમારકામ માટે જરૂરી કામ પણ ૧૦ નવેમ્બરથી શરૂ થશે. એક અધિકારીએ જણાવ્યું કે, “કંગસાબતી અને શિલાબતી નદીઓ પર બે નવા પુલ બનાવવામાં આવશે.” મંત્રીએ પીટીઆઈને કહ્યું, “ગુજરાતમાં જે બન્યું તે જોયા પછી, અમે રાજ્યના તમામ પુલોની યોગ્ય તપાસ કરવાનું નક્કી કર્યું છે. અમે જોખમ ન લેવા નથી માગતા.”