અંકલેશ્વરમાં ઉભરાતી ગટરોથી પરેશાન રહીશોનો કચેરીએ હલ્લાબોલ

અંકલેશ્વરમાં લોકો પાસેથી સૌથી વધારે ટેકસ લેવામાં આવે છે તેવા નોટીફાઇડ એરીયામાં જ ઉભરાતી ગટરો અને ખખડધજ રસ્તાઓ જોવા મળી રહયાં છે ત્યારે રોષે ભરાયેલાં લોકોએ નોટીફાઇડ એરિયાની કચેરીએ હલ્લો બોલાવતાં વાતાવરણ ગરમાયું હતું.અંકલેશ્વર શહેરની સરખામણીએ નોટીફાઇડ એરિયામાં પાણી વેરા સહિતના વેરાઓની ઉંચી રકમ વસુલવામાં આવે છે પણ સુવિધાઓના નામે મીંડુ હોવાની ફરિયાદ ઉઠી છે.

જીઆઇડીસીની ગોપાલ ડેરી પાસે આવેલા ઉમિયા ફ્લેટ, ધર્મ સનસિટી સહિતના વિસ્તારોમાં ઉભરાતી ગટરો અને ખખડધજ રસ્તાઓના કારણે સ્થાનિકો પરેશાન થઇ ગયાં છે. સમસ્યાનું નિરાકરણ લાવવા માટે નોટીફાઇડ એરિયા ઓથોરીટીમાં વારંવાર રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. આખરે રોષે ભરાયેલાં રહીશો નોટીફાઇડની કચેરીએ પહોંચી ગયાં હતાં. તેમણે ગટરોમાંથી પાણી ઉભરાતું બંધ કરવામાં આવે, રસ્તાઓનું રીપેરીંગ થાય સહિતની બાબતોની ઉગ્ર રજુઆત કરતાં વાતાવરણ તંગ બની ગયું હતું. જો ટુંક સમયમાં સમસ્યાનો હલ નહિ આવે તો સ્થાનિકોએ આંદોલનની ચીમકી આપી છે.

નોટીફાઇડ એરિયા વિભાગના અધિકારીઓએ યોગ્ય પગલાં ભરવાની ખાતરી આપતાં રહીશોનો ગુસ્સો શાંત થયો હતો.અંકલેશ્વર નોટીફાઇડ એરિયા ઓથોરીટી લોકો પાસેથી શહેરી વિસ્તાર કરતાં વધારે ટેકસ ઉઘરાવે છે. નોટીફાઇડ વિસ્તારમાં ઠેર ઠેર ગટરો ખુલ્લી હોવાથી આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. થોડા મહિનાઓ પહેલાં જ નોટીફાઇડ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં ખાબકતાં આખલાનું મોત થયું હતું. અંકલેશ્વર નોટીફાઇડ એરીયામાં રખડતા પશુઓનો ત્રાસ હોવા છતાં તેમને પકડવામાં આવતાં ન હતાં. આ વિસ્તારમાં ગાયની ટકકરે બાઇકચાલકને ઇજા થયા બાદ સફાળા જાગેલી ઓથોરીટીએ રખડતા પશુઓને પકડવાની કામગીરી શરૂ કરી હતી. આમ નોટીફાઇડ એરીયા ઓથોરીટી સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news