નિઝામપુરામાં રેસિડેન્સીયલ વિસ્તારમાં આવેલી ઇરીગેશનની ઓફિસમાં આગ, કોઇ જાનહાનિ નહીં
શહેરના નિઝામપુરા મુલજીનગરમાં આવેલી ઇરીગેશનની ઓફિસમાં સવારે આગ ફાટી નીકળી હતી. ગ્રાઉન્ડ ફ્લોર સહિત ચાર મજલી બિલ્ડીંગના પહેલાં માળે આવેલી ઓફિસમાં આગ ફાટી નીકળતા સોસાયટીના રહીશોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. જેમાં ઓફિસની બાજુમાં આવેલા રહેણાંક કોમ્પ્લેક્ષના રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
જોકે, આગ પ્રસરે તે પહેલાં ફાયર બ્રિગડની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને આગને કાબુમાં લીધી હતી. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. નિઝામપુરા મુલજીનગરમાં ૧૪-બી, નંબર ગ્રાઉન્ડ ફ્લોર સહિત ચાર મજલી બિલ્ડીંગ આવેલું છે. આ બિલ્ડીંગમાં મહિન્દ્રા ઈપીસી ઇરીગેશનની ઓફિસ આવેલી છે. આ ઓફિસના માલિક ચિંતકભાઇ ઠક્કર છે. અને મેનેજર તેજસભાઇ જોષી છે. આ બિલ્ડીંગના પ્રથમ માળે ઓફિસ આવેલી છે.
ઇરીગેશનની આ ઓફિસમાં સવારે લગભગ ૭.૩૦ પહેલાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડને ૭-૩૦ વાગે કોલ મળતા તુરતજ ૨૦ લાશ્કરો સાથે સ્થળ પર દોડી ગયા હતા. અને આગ વધુ પ્રસરે તે પહેલાં પાણી મારો ચલાવી આગને કાબુમાં લઇ લીધી હતી. આ બિલ્ડીંગની બાજુમાં રેસિડેન્સીયલ કોમ્પ્લેક્ષ પણ આવેલું છે. જોકે, આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. મળેલી માહિતી પ્રમાણે સવારે મુલજીનગરમાં ઇરીગેશનની ઓફિસમાં આગ ફાટી નીકળતા સોસાયટી રહીશોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. જે બિલ્ડીંગમાં આગ લાગી હતી. તેની બાજુમાં આવેલા રહેણાંક કોમ્પ્લમેક્ષના રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતા. કેટલાંક લોકો સાવચેતીના ભાગરૂપે મકાન છોડી કોમ્પ્લેક્ષની નીચે આવી ગયા હતા. તે સાથે સોસાયટીના રહીશોના પણ ટોળા થઇ ગયા હતા. આગના આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી. આ બનાવને પગલે સાવચેતીના ભાગરૂપે વીજપુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. સદભાગ્યે આગ વધુ પ્રસરે તે પહેલાં આગ કાબુમાં આવી જતાં, તંત્ર અને સોસાયટીના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.
સવારે બનેલા આગના આ બનાવમાં ઓફિસનું તમામ ફર્નીચર, એ.સી., તેમજ દસ્તાવેજો બળીને ખાક થઇ ગયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પરંતુ, અનુમાન છે કે, શોર્ટસરકીટના કારણે આગ લાગી છે. તપાસ દરમિયાન આગનું ચોક્કસ કારણ બહાર આવશે. ઓફિસમાં ફાયર સેફ્ટીની સુવિધા હતા. પરંતુ, વહેલી સવારે આગ લાગી હોવાના કારણે ફાયર સેફ્ટીની સુવિધા કામ લાગી ન હતી. આગ લાગતા ઓફિસના માલિક સહિત કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.