બોટાદ જિલ્લાના અનેક વિસ્તારમાં કપાસના પાકમાં સુકારો આવી ગયો
બોટાદ જિલ્લામાં અનેક ખેડૂતોના કપાસના પાકના વાવેતરમાં સુકારો આવી જતા ખેડૂતની ચિંતામાં વધારો થયો છે. જેના પગલે ખેડૂતોએ સરકાર સર્વે કરાવી સુકારો આવી ગયેલો હોય તેવા ખેડૂતોને સહાય આપે તેવી માંગ છે. અનિયમિત વરસાદ, વાદળછાયા વાતાવરણ તેમજ આગોતરા વાવેતરના કારણે આ પ્રમાણે સ્થિતિ સર્જાઇ હોય તેવું જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ જાે આ પાકમાં પણ પિયત કરશે તો ફરી સારો કપાસ થઇ જવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. તો ખેડૂતો દ્વારા હાલમાં એક વીઘે ૨૫થી ૩૦ હજારના નુકસાનને લઇ હવે પછીના પાકના વાવેતરમાં કેવી રીતે કરશું તેને લઈને ચિંતા ફેલાઈ છે.
બોટાદ જિલ્લામાં સરેરાશ વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. ત્યારે જે વિસ્તારમાં માત્ર વરસાદ આધારિત ખેતી થતી હોય તેવા વિસ્તારમાં ખેડૂતો દ્વારા આગોતરા પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે. જેમાં મગફળી, કપાસ, તલ સહિત અન્ય પાકોનું પણ વાવેતર કરતા હોય છે. ત્યારે હાલમાં બોટાદ જિલ્લાના ગામો કે જ્યાં કપાસના પાકમાં સુકારો આવી જતાં હાલ તો ખેડૂતો ચિંતામાં છે. બોટાદ તાલુકાના સીરવાણીયા તેમજ હળદડ ગામમાં કપાસના પાકમાં સુકારો આવી ગયો છે.
ખેડૂતોને આશા હતી કે એક વીઘે આશરે ૨૫થી ૩૦ મણ કપાસનું ઉત્પાદન થશે. પણ હવે સુકારાના કારણે માત્ર છથી સાત મણ કપાસનું ઉત્પાદન થશે, જેને લઇ ખેડૂતોના કહ્યા મુજબ આશરે ૨૫-૩૦ હજાર રૂપિયાનું નુકસાન થશે. જેના કારણે શિયાળુ પાકના વાવેતરમાં આર્થિક રીતે ખૂબ મુશ્કેલી હોવાથી તેનું વાવેતર કરવામાં રૂપિયા ક્યાંથી લાવવા તે વાતથી હાલ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. બોટાદ જિલ્લાના અનેક એવા વિસ્તારમાં કપાસના પાકમાં સુકારો આવી ગયો હોવાની વાતને લઈને બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીને પૂછતાં વાતાવરણ તેમજ વરસાદના કારણે આ સ્થિતિ આગોતરા પાકના વાવેતરમાં થઈ શકે તેમ જણાવ્યું હતું. જાે કે હજુ સુધી આ બાબતે કોઈ ખેડૂતની ફરિયાદ આવી નથી તેમ તેમણે જણાવ્યું હતું. ઉપરાંત આ પ્રમાણેના પાકમાં જાે પિયત કરવામાં આવે તો પાક બચી શકે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.