બરેલીમાં ઈલેક્ટ્રિક બસમાં ચાર્જિંગ દરમિયાન થયો બ્લાસ્ટ, ૧ વ્યક્તિનું મોત, ૨ ઘાયલ થયા
ઉત્તરપ્રદેશના બરેલીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં ચાર્જિંગ દરમિયાન એક ઈલેક્ટ્રિક બસમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. તેના પગલે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે બે અન્ય લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. ઈલેક્ટ્રિક બસમાં બ્લાસ્ટ કયાં કારણોસર થયો તે અંગે હજી ખબર પડી નથી. હાલ મામલાની તપાસ કરવામાં આવી રહી છે, જેથી વાસ્તવિક કારણનો ખ્યાલ આવે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચાર્જિંગ દરમિયાન ઈલેક્ટ્રિક બસમાં બ્લાસ્ટની આ ઘટના બરેલીના કિલા થાના ક્ષેત્રની છે. ઈલેક્ટ્રિક બસ આ વિસ્તારમાં એક ચાર્જિંગ સ્ટેશન પર ચાર્જિંગમાં હતી. તે સમયે બસમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. તેના પગલે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે ૨ અન્ય લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. બસમાં બ્લાસ્ટના પગલે ઘટના સ્થળે અફરાતફરી સર્જાઈ હતી. બસમાં બ્લાસ્ટની માહિતી મળ્યા પછી ઘટના સ્થળે જિલ્લા અધિકારી, જીજીઁ, જીઁ સિટી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા હતા. ઘટના સ્થળની ચકાસણી કરવામાં આવી હતી. બરેલીના કલેક્ટરે ઈલેક્ટ્રિક બસમાં થયેલા બ્લાસ્ટ વિશે માહિતી આપી છે. આ સમગ્ર ઘટનાક્રમ પર બરેલીના કલેક્ટર શિવાકાંત દ્વિવેદીએ કહ્યું કે ચાર્જિંગ સ્ટેશન પર કોમ્પ્રેસર કે કોઈ ટેક્નિકલ ફોલ્ટના કારણે બ્લાસ્ટ થવાની માહિતી મળી છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને તથા બે અન્ય લોકોને ઈજા થઈ છે. નગર નિગમની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસમાં લાગી ગઈ છે. હાલ ઘટનાના કારણો અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.