અમદાવાદમાં તાપમાન ૧૦ ડીગ્રીથી નીચે જવાની સંભાવના
આગામી ત્રણ દિવસ ગાત્રો થિજાવતી ઠંડી પડશે
ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનના કારણે ગુજરાતમાં ઠંડી એ સપાટો બોલાવ્યો છે. ગુજરાતમાં ઠંડીમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહીના સતત બીજા દિવસે ગુજરાતના અનેક શહેરોમાં સરેરાશ લઘુતમ તાપમાન નીચે નોંધાયું છે. નલિયામાં તો પારો ગગડીને ૩.૨ ડિગ્રી પહોંચી ગયો હતો. રાજ્યના તમામ મહાનગરોમાં પણ ઠંડીનો ચમકારો અનુંભવાયો હતો. ગુજરાતીઓ ફરી એકવાર રેકોર્ડબ્રેક ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. ૨૮થી ૩૦ ડિસેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડી પડશે, જેમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કાતિલ પવનો ફૂંકાઈને ઠંડીનો અહેસાસ થશે.
ઉત્તર ગુજરાતમાં વઘુત્તમ તાપમાન ૭ ડિગ્રી ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ૮ ડિગ્રી તાપમાનની શક્યતા બતાવવામાં આવી છે. ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો બીજા દિવસે પણ યથાવત રહ્યો છે. રાજ્યમાં ૩.૨ ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર રહ્યું છે. આજથી ઉત્તર ગુજરાતમાં રેકર્ડ બ્રેક ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી દીધી છે. ડીસામાં ૬.૭ ડિગ્રી તાપમાન, કંડલા એરપોર્ટ પર ૫.૫ ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં ૭.૫, કેશોદમાં ૮ ડિગ્રી, જ્યારે મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં બરાબરનો શિયાળો જામ્યો છે. ઉત્તર ભારતમાં હિમવર્ષથી ઠંડીનું જોર વધ્યું છે. અમદાવાદમાં ૮.૩, રાજકોટમાં ૮.૫ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૯.૫, અમરેલીમાં ૧૦ ડિગ્રી, ભુજમાં ૧૦.૨, પોરબંદરમાં ૧૦.૪ ડિગ્રી, ભાવનગર, વડોદરામાં ૧૧.૨ ડિગ્રી, મહુવા અને દીવમાં ૧૧.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં ૨૮થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં હાડ થીજવતી ઠંડીનું પ્રમાણ હજુ વધી શકે છે. રાજ્યમાં સરેરાશ લઘુતમ તાપમાનમાં ૩ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. ખાનગી સંસ્થાના અનુમાન પ્રમાણે પણ અમદાવાદમાં ૨૮ ડિસેમ્બર ૩૧ ડિસેમ્બર સુધી અમદાવાદી સહિત સમગ્ર ગુજરાતના લોકોને ટાઢમાં થથરાવું પડી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી પ્રમામે દક્ષિણ અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થયું છે. જેના કારણે દરિયામાં મોટો કરંટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે માછીમારો માટે એલર્ટ જાહેર કર્યું છે, જેમાં રાજ્યના નાના-મોટા તમામ માછીમારોને દક્ષિણ અરબી સમુદ્રમાં ન જવા સૂચના આપી દેવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બે દિવસ તાપમાન રહેશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.