ઝારખંડમાં બન્યું ભગવાન ગણેશજીનું આધારકાર્ડવાળું પંડાલ, આખા દેશમાં થઇ ગયું છે પ્રચલિત
૩૧ ઓગસ્ટથી આખા દેશમાં ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમથી ઉજવણી શરુ થઇ ગઈ છે. આ વર્ષે બે વર્ષના ઇંતેજાર બાદ દરેક જગ્યાએ કોઈપણ જાતના પ્રતિબંધો વિના ફરીથી પહેલાની જેમ ગણેશોત્સવ ઉજવવાની પરવાનગી આપવામાં આવી છે, તેથી લોકો ખુબ જ ઉત્સાહિત છે. ગણેશચતુર્થી સામાજિક રીતે ઉજવાય છે. જેમાં મોટા પંડાલ બનાવીને ગણેશજીની વિશાળ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ પંડાલ માટે નવી નવી થીમ તૈયાર કરવાનો ટ્રેન્ડ શરુ થયો છે. જેમાં એકથી એક આકર્ષક થીમ, અવનવા ડેકોરેશન સાથે ગણેશજીના પંડાલ સજાવવામાં આવે છે .
કેટલાક શહેરોમાં તો બેસ્ટ પંડાલ માટેની સ્પર્ધા પણ હોય છે. આ વર્ષે આવું જ એક એકદમ નવા પ્રકારનું પંડાલ ચર્ચામાં આવ્યું છે. જમશેદપુરના સાકચી બજારમાં બનેલો ભગવાન ગણેશનું આધાર કાર્ડ ધરાવતો પંડાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભગવાન ગણેશના આધાર કાર્ડમાં તેમના ફોટા સાથે આધાર કાર્ડ નંબર પણ લખવામાં આવ્યો છે. સરનામું મહાદેવના પુત્ર શ્રી ગણેશ, કૈલાશ પર્વત, ટોપ ફ્લોર, માનસરોવર ઝીલ પાસે, કૈલાશ, પીનકોડ -૦૦૦૦૦૧ Shree Ganesh S/o Mahadev, Kailash Parvat, Top Floor, Near, Mansarover, Lake, Kailash Pincode- 000001) આપવામાં આવ્યું છે. તેમની જન્મતારીખમાં ૬ સદી પેહલા જન્મ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ કાર્ડને સ્કેન કરતાં ભગવાન ગણેશની તસવીર આવે છે. જેને જોઈને લોકો ઉત્સાહિત થઈ જાય છે અને સેલ્ફી લે છે.
ઝારખંડમાં બનાવવામાં આવેલ આ આધારકાર્ડવાળું પંડાલ આખા દેશમાં પ્રચલિત થઇ ગયું છે. પૂજા પંડાલના વ્યવસ્થાપક સૌરભ કુમારે જણાવ્યું કે તેઓ એકવાર કોલકાતા ગયા હતા. ત્યાં તેમણે વિવિધ પ્રકારના પૂજા પંડાલ જોયા. જેનો સબંધ સામાન્ય વ્યક્તિના જીવન સાથે હતો. પંડાલો દ્વારા કંઈક ઉપયોગી સંદેશ આપવાના પ્રયાસ થતા. આ પંડાલ જોઈને તેમને પ્રેરણા મળી હતી અને આ ગણેશ ચતુર્થી પર તેમણે પણ કોઈ સામાજિક સંદેશ આપતી થીમ પર પંડાલ બનવાનું નક્કી કર્યું હતું. તેને ધ્યાનમાં રાખીને તેણે ભગવાન ગણેશનું આધાર કાર્ડ બનાવ્યું. આના દ્વારા તેઓ સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જેમણે આધાર કાર્ડ નથી બનાવ્યું, તેઓ જલદી બને તે કરાવી લે. કારણ કે આધાર કાર્ડ હોવું ખુબ જરૂરી છે.