સરખેજ- મકરબા વિસ્તારમાં ૨ ઈંચ વરસાદ પડ્યો
સ્વતંત્રતા પર્વ પર રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યાં છે. ત્યારે હવામાન વિભાગે આવતીકાલે મંગળવારે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ ૧૭મીને સાત જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૧૬મીના રોજ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સારા વરસાદને કારણે રાજ્યમાં નર્મદા ડેમ સહિતનાં જળાશયોમાં હાલમાં ૭૪.૬૨% પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે. પાણીની આવકને કારણે ખેતી અને પીવાના પાણીની ઘાત ગુજરાતના માથેથી ટળી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.
અમદાવાદમાં વરસાદ શરૂ થયો હતો. સાંજે સરખેજ, મકરબા, મકતમપુરા, એસજી હાઇવે વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બે ઇંચ જેટલો વરસાદ પડતાં વેજલપુર શ્રીનંદનગરમાં પાણી ભરાઇ ગયા હતા. તો શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી. વાહનચાલકોએ લાઈટ ચાલુ કરીને ફરજિયાત વાહન ચલાવવાની ફરજ પડી હતી. જોધપુર, મકતમપુરા, સેટેલાઇટ, વસ્ત્રાપુર, બોડકદેવ, પાલડી, વાસણા, વેજલપુર, ટાગોરહોલ વિસ્તારમાં દોઢ ઇંચ, જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે રામોલ, દૂધેશ્રર, વટવા, જમાલપુર, લાલદરવાજા, દરિયાપુર, શાહપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો છે.
સાયન્સ સિટી, ગોતા, ઉસ્માનપુરા, આશ્રમ રોડ, ઇન્કમટેકસ, મેમકો, નરોડા રોડ, મણિનગર, કાંકરીયામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. તો વાસણા બેરેજના સાત દરવાજા ૩ ફૂટ સુધી ખોલાયા છે. બેરેજની સપાટી ૧૩૪.૭૫ ફૂટ છે અને ૨૦ હજાર ક્યુસેક પાણી છોડાયું છે.