વાદળ ફાટવાની ઘટના શા માટે બને છે?
પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે વાદળ ફાટ્યું હતું. આ દુર્ઘટનામાં ૧૨ શ્રદ્ધાળુઓના મોત થયા છે. જોકે, મોતનો આંકડો વધવાની સંભાવના છે. જાણકારી અનુસાર (એન.ડી.આર.એફ)એ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું હતું, જેમાંથી અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. વાદળ ફાટ્યા બાદ ભયાનક પૂર આવ્યું હતું. મોટાભાગે વાદળ હંમેશા પર્વતીય વિસ્તારોમાં જ શા માટે ફાટે છે? વાદળ ફાટવાની ઘટનાઓ શા માટે બને છે? અહીં આ પ્રાકૃત્તિક આપત્તિ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
વાદળ ફાટવાની ઘટનામાં વાદળના ટુકડા નથી થતા. મોસમ વૈજ્ઞાનિકો અનુસાર એક જ જગ્યાએ એકસાથે ભારે વરસાદ થઈ જાય તો તેને વાદળ ફાટવાનું કહે છે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો પાણી ભરેલા ફુગ્ગાને ફોડી દેવામાં આવે તો બધુ પાણી એક જ જગ્યાએ એકસાથે પડી જાય છે. વાદળ ફાટવાની ઘટના પણ આ પ્રકારે જ હોય છે. વાદળ ફાટવાથી વાદળમાંથી ખૂબ જ ઝડપથી વરસાદ વરસવા લાગે છે. જેને ફ્લેશ ફ્લડ અથવા ક્લાઉડ બર્સ્ટ પણ કહે છે. અચાનક એકદમ ઝડપથી વરસાદ વરસાવતા વાદળોને પ્રેગ્નેટ ક્લાઉડ પણ કહે છે. જ્યારે વાદળો એક જગ્યાએ ભેગા થઈ જાય ત્યારે વાદળ ફાટવાની ઘટના બને છે. વાદળમાં રહેલા પાણીના ટીપા એકબીજા સાથે ભળી જાય છે. પાણીનો ભરાવો થઈ જવાને કારણે વાદળનો ભાર વધી જાય છે અને અચાનક વરસાદ વરસવા લાગે છે. વાદળ ફાટવાથી ૧૦૦ મિમી પ્રતિ કલાકની ઝડપે વરસાદ વરસે છે.
પાણીથી ભરેલા વાદળ પહાડી વિસ્તારોમાં ફસાઈ જાય છે. પહાડોની ઉંચાઈના કારણે વાદળ આગળ જઈ શકતા નથી. ત્યારબાદ અચાનક એક જ જગ્યાએ ભારે વરસાદ થવા લાગે છે. ગણતરીની સેકન્ડમાં જ ૨ સેમીથી વધુ વરસાદ થાય છે. પહાડો પર ૧૫ કિમીની ઉંચાઈ પર વાદળ ફાટે છે. વાદળ ફાટવાનો વધુમાં વધુ એક વર્ગ કિમીથી વધુ રેકોર્ડ કરવામાં આવ્યો નથી. પહાડો પર વાદળ ફાટવાથી એટલી ઝડપે વરસાદ થાય છે કે, ત્યાં તળાવ બની જાય છે. પહાડ પર પાણી ટકી શકતું ન હોવાથી પાણી ઝડપથી નીચે આવવા લાગે છે. પાણી જ્યારે નીચે આવે છે ત્યારે પાણીની સાથે સાથે માટી, કીચડ અને પત્થર પણ આવે છે.
પાણી એટલી ઝડપથી નીચે આવે છે કે, તેની સામે પડનાર તમામ વસ્તુઓ બરબાદ થઈ જાય છે. પહેલા માનવામાં આવતું હતું કે, માત્ર પહાડો પર જ વાદળ ફાટવાની ઘટના બને છે. મુંબઈમાં ૨૬ જુલાઈ ૨૦૦૫ના રોજ વાદળ ફાટવાની ઘટના બની હતી. ત્યારબાદ માત્ર પહાડો પર વાદળ ફાટે તેવી ધારણા બદલાઈ ગઈ છે. આ ઘટના બાદ માનવામાં આવે છે કે, કેટલાક ખાસ સંજોગોમાં જ વાદળ ફાટે છે. વાદળના રસ્તામાં જો ગરમ હવા ફૂંકાય તો પણ વાદળ ફાટવાની ઘટના બને છે. મુંબઈમાં પણ આ કારણોસર વાદળ ફાટ્યું હતું.