ઈશાન ભારતમાંથી આવતા ઠંડા પવનને કારણે રાજ્યમાં વધશે ઠંડી
હજુ ત્રણ દિવસ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં આવે : હવામાન વિભાગ
ઈશાન ભારતમાંથી આવતા ઠંડા પવનના કારણે ગુજરાતમાં શીતલહેર અનુભવાઇ રહી છે. બુધવારે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન કચ્છ જિલ્લાના નલિયામાં આઠ ડિગ્રી સેલ્સિયશ નોંધાયુ હતું. આ ઉપરાંત ગુરુવારે ગાંધીનગરમાં ૧૫ અને અમદાવાદમાં ૧૬.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં પણ છેલ્લા અઠવાડિયાથી તાપમાન ૧૬થી ૧૭ ડિગ્રી આસપાસ પહોંચ્યું છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૨૦ ડિસેમ્બરથી ૧૦ જાન્યુઆરી દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે, હજુ ત્રણ દિવસ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં આવે અને તે બાદ ઠંડીનો પારો વધારે ગગડવાની શક્યતા છે.
રાજ્યમાં શરૂ થયેલા ઉત્તર-પૂર્વીય ઠંડા પવનની અસરથી રાજ્યનાં મોટાભાગના શહેરોના લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. નલિયા ૮.૦ ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું હતું. ૧૨ શહેરોમાં ઠંડીનો પારો ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયો છે. શહેરમાં વહેલી સવારથી ૧૦થી ૧૫ કિલોમીટરની ગતિએ ફૂંકાયેલા પવનથી આખો દિવસે લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો.
આગામી દિવસોમાં ઉત્તર-દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે.અમદાવાદનું મહત્તમ તાપમાન ૩ ડિગ્રી ગગડીને ૨૬.૬ અને લઘુતમ તાપમાન ૧ ડિગ્રી ગગડીને ૧૬.૨ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે, ગાંધીનગરમાં ૧૫ ડિગ્રી, વડોદરામાં ૧૬.૪, ડીસામાં ૧૨.૬, કંડલા એરપોર્ટ પર ૧૨.૫, અમરેલીમાં ૧૩.૮, દ્વારકામાં ૧૫.૮, રાજકોટમાં ૧૦.૪ અને વેરાવળમાં ૧૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઉત્તર ભારતની વાત કરીએ તો, કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા વધતા હવે તેની અસર ઉત્તર ભારતની સાથે પશ્ચિમ, પૂર્વ અને મધ્ય ભારતમાં પણ જાેવા મળી રહી છે. સતત બીજા દિવસે કાશ્મીરના ગુલમર્ગમાં તાપમાન માઇનસ ૧૦ ડીગ્રીથી નીચું રહ્યું હતું. બુધવારે ગુલમર્ગનું તાપમાન માઇનસ ૧૧.૭ ડીગ્રીએ પહોંચી ગયું હતું. જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં તાપમાન ૫.૮ ડીગ્રી નોંધાતા લોકો ઠુંઠવાયા હતા.