ડાકોરમાં પીવાના પાણી મુદ્દે ટોળાએ પાલિકામાં માટલાં ફોડ્યાં
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ વોર્ડ નંબર ૧ના લોકોએ પાલિકાએ પહોંચી હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે વોર્ડ નંબર એકમાં છેલ્લા ચાર મહિનાથી પીવાનું પાણી મળતું નથી. કોઈ કારણોસર અમને પાયાની સુવિધાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાલિકા આ મામલે કોઇ નક્કર કાર્યવાહી કરતી નથી. માત્રને માત્ર આશ્વાસન આપતા છે. માટે હવે ધીરજ ખૂટતાં અમારે ન છૂટકે પાલિકા ખાતે હોબાળો મચાવવો પડ્યો છે.
પીવાના પાણીના પ્રશ્નને લઈને લગભગ ૨૦૦થી વધારે લોકોનું ટોળું પાલિકા ખાતે ધસી આવ્યું હતું અને ઉગ્ર રજૂઆત કરી પાણીનો પ્રશ્ન વહેલી તકે ઉકેલ આવે તેવી માંગણી કરી હતી. આ ઉપરાંત આક્રમક બનેલા લોકોએ નગરપાલિકામાં માટલાં ફોડ્યાં હતાં. તેમજ પાલીકા બહાર ધરણા પર બેઠા હતા. પરંતુ સ્થિતિ વધુ વણસે તે પહેલા જ પોલીસનો કાફલો પણ પાલિકાએ દોડી ગયો હતો. નગરપાલિકાના પ્રમુખ રાજેશ પટેલ દ્વારા રજૂઆત કરનારાઓને સાંત્વના આપી બાંહેધરી આપી સમસ્યાનો વહેલો ઉકેલ લાવવા હૈયાધારણા આપતાં મામલો અટક્યો હતો. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ પણ હાજર હતી. પાલિકા પ્રમુખ રાજેશ પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વિઝ્યુઅલ લાઈનથી પાણી આપવામાં આવે છે. જેના દરમાં એકાએક ઘટાડો થયો છે, જેથી ટાંકી પૂરતા પ્રમાણમાં ભરાતી નથી.
ઉપરાંત પાઇપલાઇનમાં પણ પાણી ફોર્સથી મળી રહ્યું નથી. આ મામલે પાલિકા કામગીરી કરી રહી છે.વિવાદોમાં ખરડાયેલી ડાકોર નગરપાલિકા નાગરિકોને પાયાની સુવિધા આપવામાં પણ પાછી પાની કરી રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. છેલ્લા લગભગ ચારેક માસથી નગરપાલિકાના વોર્ડ નંબર ૧માં પીવાના પાણીની સમસ્યા છે. આ મુદ્દે રહીશોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન થતાં લોકોની ધીરજ ખૂટતાં આશરે ૨૦૦ લોકોના ટોળાએ પાલિકામાં હલ્લાબોલ કર્યો હતો અને માટલાં ફોડ્યાં હતાં.