અસામમાં પ્રી-મોન્સૂનના કહેરમાં ૭ લોકોના મોત
ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગમાં લોકો ભીષણ ગરમીથી પરેશાન છે. પરંતુ અસમમાં સ્થિતિ અલગ છે. અહીં પ્રી-મોન્સૂન પૂર અને ભૂસ્ખલનને કારણે કછાર જિલ્લામાં વધુ બે લોકોના મોત બાદ કુલ મૃત્યુઆંક ૭ પર પહોંચી ગયો છે. અસમમાં અત્યાર સુધી ૨૪ જિલ્લામાં ૨ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી છે.
અસમ રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ કહ્યું કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન દક્ષિણી અસમના કછાર જિલ્લામાં બે લોકોના મોત થયા, આ પહેલા દીમા હસાઓ (૪) અને લખીમપુર (૧) જિલ્લામાં ભૂસ્ખલનને કારણે પાંચ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ કહ્યું કે, પૂર અને ભૂસ્ખલનને કારણે કછાર જિલ્લામાં છ લોકો લાપતા છે. તો કછાર જિલ્લામાં એક અનૌપચારિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે જિલ્લામાં અલગ-અલગ નદીઓમાં એક બાળક અને બે આધેડ ઉંમરના લોકો સહિત ચાર લોકો તણાયા છે. ૨૪ જિલ્લાના ૮૧૧ ગામોના ૨ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. તો ૬૫૪૦ ઘરને નુકસાન પહોંચ્યું છે. ૩૩ હજારથી વધુ લોકોએ રાહત શિબિરમાં આશરો લીધો છે. જ્યારે જિલ્લા તંત્રએ ૨૭ રાહત વિતરણ કેન્દ્ર ખોલ્યા છે. સૌથી વધુ પ્રભાવિત જિલ્લામાં કછાર, દીમા હસાઓ, હોઝઈ, ચરાઈદેવ, દરાંગ, ધેમાજી, ડિબ્રૂગઢ, બક્સા, વિશ્વનાથ અને લખીમપુર સામેલ છે.
પૂર્વોત્તર સીમાંત રેલવેના દીમા-હસાઓ જિલ્લા હેઠળ પહાડી ખંડમાં સ્થિતિ મંગળવારે ગંભીર રહી, કારણ કે પહાડી ક્ષેત્રમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે રેલવે લાઇનને અસર પહોંચી હતી. અસમના લુમડિંગ-બદરપુર ખંડ ત્રિપુરા, મિઝોરમ, મણિપુર અને અસમના દક્ષિણી ભાગને દેશના બાકી ક્ષેત્ર સાથે જોડનાર એકમાત્ર માર્ગ છે. આ રેલ સંપર્ક છેલ્લા ચાર દિવસથી કપાયેલો છે. જેથી જરૂરીયાતની વસ્તુના ભાવ વધી ગયા છે.