અમદાવાદમાં પાણીજન્ય રોગોમાં વધારો થતાં ચિંતા વધી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી એપ્રિલ મહિનામાં પાણીના ૯૪૪ સેમ્પલ લેવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ૨૦૫ જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે.અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ગરમી વધી રહી છે. ગરમી અને દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. એપ્રિલ મહિનાના ૨૩ દિવસમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં ઉછાળો નોંધાયો છે.
શહેરમાં એક કોલેરાનો કેસ નોંધાયો છે. જ્યારે શહેરના પૂર્વ વિસ્તાર અને કોટ વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાએ માંઝા મૂકી છે. બહેરામપુરા વિસ્તારમાં સીમા રો હાઉસમાં કમળાનો કેસ નોંધાયો છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કમળા અને ટાઇફોઇડના કેસોમાં પણ વધારો થયો છે.
એપ્રિલ માસમાં શહેરના વિવિધ વિસ્તારમાંથી પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમા ૨૦૫ જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. જેમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં સેમ્પલ અનફીટ નોંધાયા છે. આગામી દિવસોમાં પણ ગરમીને ધ્યાનમાં રાખીને પાણીજન્ય રોગોમાં વધારો થઈ શકે છે. છેલ્લા બે મહિના કરતા ચાલુ એપ્રિલ મહિનામાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ખાસ કરીને ઝાડા ઉલ્ટી અને કમળાના કેસો વધુ નોંધાયા છે. પાણીજન્ય રોગોમાં સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તાર તેમજ કોટ વિસ્તારમાં વધારો થયો છે.