કેરળના ૬૭ વર્ષના એન્ટનીએ ૪ લાખમાં હોમ મેડ ઈલેક્ટ્રિક કાર બનાવી
પેટ્રોલની વધી રહેલી કિંમતોએ કાર અને ટુ-વ્હીલર યુઝર્સને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ વિશે ગંભીરતાથી વિચારવા પર મજબૂર કર્યા છે. આ જ કારણ છે કે છેલ્લા એક વર્ષમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલરના સેગમેન્ટમાં ૪૮૦ ટકા ઉછાળો આવ્યો છે. લોકો આજે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ વિશે વિચારવા લાગ્યા છે, પરંતુ એક વ્યક્તિ એવી પણ છે, જે છેલ્લા ૧૬ વર્ષથી ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવી રહ્યા છે અને હવે તેમણે પોતાના માટે એક ઇલેક્ટ્રિક કાર પણ તૈયાર કરી લીધી છે! કેરળમાં રહેતા ૬૭ વર્ષના એન્ટની જોન ઘણાં વર્ષોથી ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરીને પેટ્રોલ-ડીઝલના ખર્ચથી પોતાને બચાવી રહ્યા છે. તેઓ વ્યવસાયે કરિયર કન્સલ્ટન્ટ છે અને ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સના સપોર્ટર છે. તાજેતરમાં જ તેમણે એક ઇલેક્ટ્રિક કાર તૈયાર કરી છે. તેઓ કહે છે, ‘હું વૃદ્ધ થઈ રહ્યો છું. એટલે મને એક એવું વ્હીકલ જોઈતું હતું જે મને તાપ અને વરસાદથી બચાવી શકે.’ આ કારને તૈયાર કરવી સરળ ન હતી.
એન્ટની જોનને આના પર રિસર્ચ કરવામાં કેટલાય દિવસો લાગી ગયા. ડિઝાઈન ફાઈનલ થઈ, તો એન્ટનીએ પોતાનો આઇડિયા ઘરની પાસે આવેલા એક ઓટોમોબાઈલ બોડી બિલ્ડિંગ વર્કશોપના વર્કર વિશ્વનાથન મેસ્થિરી સાથે શેર કર્યો. તેઓ ગાડીની બોડી બનાવવા માટે તૈયાર થઈ ગયા. કારની બોડી રસ્ટ ફ્રી જાપાન શીટથી બનેલી છે. તેની સ્ટીયરીંગ સિસ્ટમને ટાટા નેનો પાસેથી ઉધાર લેવામાં આવી છે.
કારના પાર્ટ્સ દિલ્હીથી આવ્યા અને કારને સંપૂર્ણ રીતે તૈયાર થવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો. આ કારમાં બજાજ ઓટોરિક્ષાના ટાયર લગાવવામાં આવ્યા છે. તેની બેટરી ફુલ ચાર્જ થવા પર કારને ૬૦ કિલોમીટર સુધી ચલાવી શકે છે. આ યુનિક કારને પ્રથમ વખત જોનાર તેનાથી પ્રભાવિત થઈ જાય છે. સૌથી મહત્વની વાત એ છે કે તે ઇલેક્ટ્રિક છે. તેની ડિઝાઇન ન તો બહુ એડવાન્સ્ડ છે કે ન તો બહુ સામાન્ય. માત્ર એક એક્સીલરેટર અને એક બ્રેકની મદદથી આ કાર દોડવા લાગે છે. આ કારમાં બજાજ ઓટોરિક્ષાના ટાયર લગાવવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, તેની બેટરી ફુલ ચાર્જ થવા પર કારને ૬૦ કિલોમીટર સુધી ચલાવી શકે છે. એન્ટની કહે છે કે કારનું વજન ૧૫૦ કિલો છે. તેણે અગાઉ તેમાં ૨૦ AH બેટરી લગાવી હતી. માત્ર ૧૨ કિમી માઈલેજ મળે છે. વજન અને રોજિંદી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમણે કારમાં ૫૨ AH લિથિયમ ફેરો ફોસ્ફેટ બેટરી લગાવી. તેઓ કહે છે કે આ વધુ સુરક્ષિત છે. આગ પણ નથી પકડતી.
જો કિંમતની વાત કરીએ, તો ઇલેક્ટ્રિક કારના મામલામાં લોકો આ જ મુદ્દાને લઈને પીછેહઠ કરી લે છે. જોકે, એન્ટરની જોનની કાર વ્યાજબી છે. તે તૈયાર કરવામાં ચાર લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. એન્ટની તો દાવો કરે છે કે તેનું મેન્ટનન્સ નહિવત છે. કાર માત્ર એક યૂનિટ કરન્ટનો ઉપયોગ કરે છે, જેનો ખર્ચ ૫ રૂપિયા છે. એન્ટનીની ૩૩ ઇંચ પહોળી આ ઇલેક્ટ્રિક કાર એ રસ્તાઓ પરથી પસાર થઈ શકે છે, જ્યાંથી નીકળવા માટે રિક્ષાવાળા પણ હા-ના કરે છે. તેને પાર્કિંગ માટે પણ વધારે જગ્યા નથી જોઈતી. કારમાં બેટરી ઉપરાંત મોટર અને કન્ટ્રોલર છે.
સ્ટાર્ટ થતા તેનું કંટ્રોલર બેટરી વડે વીજળી ખેંચે છે અને તેને મોટર સુધી પહોંચાડે છે. તેના પછી એન્ટની પોતાની કારમાં ૨૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. સેન્ટ્રલર વ્હિકલ મોટર રૂલ ૨૦૦૫ મુજબ, ૨૫ કિલોમીટરની સ્પીડવાળી ઇલેક્ટ્રિક વ્હીકલને સાઇકલ માનવામા આવે છે. તેનું રજિસ્ટ્રેશન અને ટેક્સ આપવાની ઝંઝટ નથી. એન્ટરની કારમાં ડિજિટલ મીટર લાગેલું છે, જે સ્પીડ અને બેટરી લેવલ દર્શાવે છે. આ કોમ્પેક્ટ વ્હીકલનું નામ પુલકૂડુ રખાયું છે, જે એન્ટરનીના ઘરનું પણ નામ છે. કારમાં હેડલાઇન, ફોગ લાઇટ, ઇન્ડિકેટર અને ફ્રન્ટ તેમજ બેક વાઇપર પણ છે.