વડોદરામાં મહિલાઓએ દૂષિત પાણીના પ્રશ્ને કલેકટર કચેરીએ વિરોધ કર્યો
વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆતથી જ પીવાના પાણીની તંગી સર્જાઇ રહી છે. તો બીજી બાજુ વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણીની લાઈનમાં પણ અવારનવાર ભંગાણ પડતા હોવાની ફરિયાદો નિત્યક્રમ બની છે. પરંતુ કોર્પોરેશનનું તંત્ર સમાર કામ કરતું નથી. જેને કારણે રોજનું હજારો લિટર પાણી વેડફાઇ જાય છે. કેટલાક વિસ્તારોમાં તો ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ જતી હોય છે. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના બાવામાનપુરામાં છેલ્લા કેટલાક મહિનાથી ગંદુ પાણી આવવાની ફરિયાદો અનેકવાર વોર્ડ કચેરીએ કરવામાં આવી છે, છતાં પણ કોઈ પણ જાતનો ઉકેલ લાવવામાં આવતો નથી. જેથી સ્થાનિક રહીશોએ આખરે કંટાળી જઇને આખરે બાવામાનપુરા વિસ્તારની મહિલાઓ કલેકટર કચેરી ખાતે પહોંચી પાણી માટે રજૂઆત કરી હતી.ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ વડોદરા શહેરમાં પીવાના પાણીની અને દૂષિત પાણીની ફરિયાદો શરૂ થઇ ગઇ છે.
કોર્પોરેશન દ્વારા પાણીની ફરિયાદોના ત્વરીત નિકાલ માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ, કંટ્રોલ રૂમ શોભાના ગાઠિયા જેવો સાબિત થયો છે.
પાણીગેટ બાવામાનપુરા વિસ્તારમાં દૂષિત પાણીનો પ્રશ્ન કોર્પોરેશનના શાસકોએ હલ ન કરતા મહિલાઓનો મોરચો કલેકટર કચેરી ખાતે પહોંચ્યો હતો અને પણી અંગે રજૂઆત કરી હતી. વડોદરા શહેરમાં એક તરફ કોર્પોરેશન દ્વારા પાણીની ફરિયાદો અંગે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યોછે. જયારે બીજી બાજુ છેલ્લા ચાર મહિનાથી પાણીગેટ બાવામાનપુરા વિસ્તારમાં ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદો અનેકવાર કરવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. સ્થાનિક મહિલાઓ કોર્પોરેશનની વોર્ડ ઓફિસ, આજવા પાણીની ટાંકી, સ્થાનિક કાઉન્સિલરો, ખંડેરાવ માર્કેટ કોર્પોરેશન કચેરીમાં બેસતા શાસકોને રજૂઆતો કરી હતી. છતાં, પ્રશ્ન હલ ન થતા મહિલાઓનો મોરચો કલેકટર કચેરી ખાતે ગયો હતો અને કોર્પોરેશન દ્વારા પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી. આપ અમારો પ્રશ્ન હલ કરો તેવી રજૂઆત કરી હતી. તે સાથે મહિલાઓએ કલેકટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કર્યાં હતા.