આણંદના બિલ્ડરે રાતોરાત ડ્રિલિંગ કરી ગટર કનેક્શન લઈ લેતાં વિવાદ

આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૩માં રહેતા ૨૦૦થી વધુ સોસાયટીના રહિશો છેલ્લાં બે દાયકાથી ગટર કનેક્શન વિના ખાળકૂવાના સહારે રહે છે ત્યારે આણંદના જાણીતાં બિલ્ડર એવમ્‌ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ ધીરૂભાઈ પટેલે બોરસદથી જિટોડિયા તરફ જતાં માર્ગ પર તેમના નવનિર્મિત શ્રીરામ આનંદ કોમ્પલેક્ષમાં રાતોરાત દાંડી માર્ગ પર ડ્રિલિંગ કરી ગટર કનેક્શન લઈ લેતાં વિવાદ સર્જાયો છે. આ બાબતે સ્થાનિક રહિશોએ આકરો વિરોધ નોંધાવી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આક્રોશ સાથે રજૂઆત કરી હતી કે અમારી સોસાયટીઓને બે દાયકાથી અહીં ગટર જોડાણની મંજૂરી મળતી નથી તો બિલ્ડરને રાતોરાત મંજૂરી કેવી રીતે આપી દેવાઇ ? આ રજૂઆતથી ચૌંકી ગયેલા જિલ્લા કલેક્ટર દ્વારા ખોટું કનેક્શન હોય તો તાકિદે રદૃ કરવા અને જો સાચું હોય તો તમામ સોસાયટીને કનેક્શન આપવા આદેશ કરતાં સ્થાનિક રહિશોને હાશકારો થયો હતો. આ મામલે સ્થાનિક રહિશો દ્વારા ૨૦ વર્ષથી અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નહોતું.

આણંદ નગરપાલિકાની હદમાં વોર્ડ નં ૧૩માં બોરસદ ચોકડીથી જીટોડીયા તરફ અને બોરસદ ચોકડીથી વિદ્યાડેરી તરફ જતાં રોડ વચ્ચેનો વિસ્તાર આવેલો છે. જોકે, અહીં વીસ વર્ષનો સમય થવા આવ્યો હોવા છતાં ડેવલોપમેન્ટ પ્લાન અને ટાઉન પ્લાંનિંગ વોર્ડમાં ગટર કનેક્શન આપવા અંગે મંજૂરી મળી નથી. આ વિસ્તારમાં લગભગ ૨૦૦ ઉપરાંત સોસાયટીઓ આવેલી છે. ગટર કનેક્શન ન હોવાથી રહિશો દ્વારા હાલમાં ખાળકૂવાથી કામ ચલાવવામાં આવે છે. તંત્ર દ્વારા આ વિસ્તાર ડેવલોપમેન્ટ પ્લાનિંગ અને ટાઉન પ્લાનિંગમાં સમાવિષ્ટ ન હોય કોઈ પણને ગટર કનેકશન મળશે નહીં તેમ જણાવવામાં આવ્યું હતુ. આ નિયમ હોવા છતાં જિટોડિયા રોડ પર બિલ્ડર ધીરૂભાઈ પટેલના શ્રીરામ આનંદ કોમ્પ્લેક્સને આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ. કે. ગરવાલ દ્વારા લેખિતમાં સ્વખર્ચે અને જોખમે દાંડી હેરિટેઝ રોડમાં ડ્રિલિંગ કરીને કોમ્પલેક્ષની સામે આવેલા મસ્ત્ય ઉદ્યોગ કેન્દ્રની બાજુમાં ગટર કનેકશન કરવાની મંજૂરી આપી દેવાતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. જેને પગલે વીસ વર્ષથી ગટર કનેક્શનથી વંચિત રહેલા સ્થાનિકોએ રાતોરાત બિલ્ડરને કેવી રીતે મંજૂરી આપી તેને લઈને રજૂઆત કરી હતી.

સમગ્ર મામલે ૨૪મી માર્ચે યોજાયેલા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ રજૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે કલેક્ટર મનોજ દક્ષિણીએ સમગ્ર હકીકત જાણી હતી અને તપાસ કરવાના આદેશ આપ્યા છે. વધુમાં જણાવ્યું છે કે, જો કનેક્શન ખોટું હોય તો રદૃ કરવા અને સાચું હોય તો તમામ સોસાયટીઓને કનેક્શન આપવા આદેશ કર્યો છે જેને પગલે સમગ્ર શહેરમાં પાલિકા અને બિલ્ડરની મિલીભગતને લઈને ખળભળાટ મચી ગયો છે. બિલ્ડરને મંજૂરી એમના સ્વખર્ચે આપી છે અને એ મંજૂરી રૂટિનમાં આપી હતી. પાલિકા બાકીની સોસાયટીઓના રહિશોને ગટર કનેક્શન આપવા તૈયાર છે. પરંતુ હજુ સુધી લાઈન લેવલ મળતું નથી. આ તમામ સોસાયટીઓને ગટર કનેક્શન આપવા માટે દોઢ વર્ષ જેવો સમય લાગી શકે છે.

પાલિકામાં અવાર-નવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી અમારી સોસાયટીઓના રહિશો પ્રાથમિક સુવિધાથી જ વંચિત છે. અહીંના સ્થાનિક કાઉન્સિલરોએ મૌનીબાબા બની કોઈ કાર્યવાહી કરી નથી. જેથી લોકોને બુલંદ અવાજ ઉઠાવવો પડ્યો છે. તંત્ર દ્વારા આ મામલે કોઈ નક્કર કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર કાર્યક્રમ અપાશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news