અરવલ્લી જિલ્લાના ૧૪ ગામોમાં કેમિક્લયુક્ત પાણી છોડવામાં આવતા ગ્રામજનોમાં રોષ
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના અસાલ ગામ નજીક આવેલા બે કેમિકલ ફેકટરીઓમાંથી ફેલાતી દુર્ગધથી આસપાસના ૧૪ ગામોના ગ્રામજનો ત્રસ્ત બન્યા હોવાની ફરીયાદ ઉઠી હતી. ખેડૂત એક્તા મંચ ભિલોડાના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા આ પ્રદુષણને લઈ ભારે રોષ દર્શાવાયો હતો.અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી સત્વરે પર્યાવરણ,પંથકના અબોલા પશુઓના જીવ અને પ્રજાજનોના આરોગ્ય માટે ખતરારૃપ આ કેમીકલ ફેકટરીઓ બંધ કરાવવા માંગ કરાઈ હતી.
ખેડૂત એકતા મંચ ગુજરાતના ભિલોડા તાલુકા એકમના પ્રમુખ રાહુલભાઈ ગામેતી સહિત કાર્યકરો ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું હતું.આ આવેદનપત્ર દ્વારા વાંદીયોલ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલા બે કેમીકલ ફેકટરીઓ દ્વારા પ્રદુષણ ફેલાવાતું હોવાની ફરીયાદ કરાઈ હતી.
પર્યાવરણને નુકશાનકારક આ કેમીકલ્સની દુર્ગધથી પંથકના અસલા, સોડપુર, વાંદીયોલ, નાપડા, ખારી, વજાપુર, બ્રહ્મપુરી સહિતના ૧૧ ગામોના પ્રજાજનો ત્રસ્ત બન્યા હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું હતું.અને આ કેમીકલ પ્રદુષણથી પંથકના પ્રજાજનો, અબોલા પશુઓ, પક્ષીઓના આરોગ્યને લઈને મોટો ખતરો તોળાઈ રહયો હોવાના ને લઈ ભારે રોષ વ્યક્ત કરાયો હતો અને સત્વરે આ કેમીકલ ફેકટરીઓ બંધ કરી દેવા માંગ ઉઠાવાઈ હતી. આ ફેકટરીમાંથી ફેલાતા કેમીકલની દુર્ગધને લઈ પંથક વિસ્તારમાં આવેલ શાળા,કોલેજાેના વિદ્યાર્થીઓમાં પણ ગંભીર બીમારી ફેલાવવાની દહેશત વ્યક્ત કરાઈ હતી. આથી આ ગંભીર પ્રશ્ને તંત્ર સત્વરે યોગ્ય કાર્યવાહી કરાવે તેવી માંગ ખેડૂત એકતા મંચ ભિલોડા દ્વારા કરાઈ હતી.
ખેડૂત એકતા મંચ દ્વારા ભીલોડા તાલુકા ટીડીઓને પણ એક આવેદનપત્ર અપાયું હતું.આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૫મા નાણાપંચની ગ્રાન્ટ તાલુકા પંચાયતના સદસ્યોને ફાળવવામાં આવે છે,પરંતુ આ ગ્રાન્ટ ફાળવણીમાં ઘણી બધી ગ્રામ પંચાયતો અને સરપંચોને અન્યાય કરાતો હોવાથી આવી ગ્રાન્ટ ફાળવણીમાં દરેક ગ્રામ પંચાયતના સરપંચોને સંકલનમાં રાખી ફાળવણી કરવાની પણ માંગ કરાઈ હતી.અસાલ પંથકમાં આવેલ ત્રણે કેમીકલ ફેકટરીઓમાંથી હવામાં ભળતા અને ભૂગર્ભમાં ઉતરતા કેમીકલની વ્યાપક અસરોને લઈ ખેતીને નુકશાન પહોંચી રહી હોવાનું ખેડૂત એકતા મંચના પ્રમુખે જણાવ્યું હતું.જયારે પંથકના બોરવેલ અને કૂવાઓમાં પણ કેમીકલ યુક્ત પાણી આવતું હોઈ આસપાસના ગામોમાં પાણી પીવા લાયક પણ રહયું ન હોવાનું જણાવાયું હતું.