રાજકોટના આજી-૧માં ૭૦૦એમસીએફટી પાણીનો જથ્થો ઠલવાયો : મેયર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક મહિના પૂર્વે સૌની યોજના મારફત નર્મદાનાં નીર આપવાની માંગ રાજ્ય સરકારને કરવામાં આવી હતી. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તેમજ એક પણ દિવસ પાણીકાપની પરિસ્થિતિ ન સર્જાય તે માટે એક હજાર એમસીએફટી સૌની યોજનાનું પાણી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત હાલ પ્રારંભિક તબક્કે રાજકોટના આજી ડેમ-૧માં ૭૦૦ એમસીએફટી પાણી સૌની યોજના મારફત નર્મદા નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં જરૂર જણાશે ત્યારે ન્યારી-૧ ડેમમાં પણ ૩૦૦ એમસીએફટી પાણી નર્મદા નીર ઠાલવવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે નર્મદા નીર આજી ડેમમાં પહોંચતા. આજરોજ મનપાના સત્તાધીશો દ્વારા નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. ૭૦૦ એમસીએફટીપાણી આજી-૧માં ધોળીધજાથી મોકલવામાં આવતાં ૪૨ કલાકે પાણી મળ્યું છે. ઉનાળા શરૂઆત થઈ છે ત્યાં જ રાજકોટને પાણી મળી જતા પાણીની તંગી દૂર થઈ છે. જોકે ન્યારી ડેમમાં રિપેરિંગનું કામ કરવાનું હોવાથી અત્યારે પ્રાથમિકતા આપી આજી-૧માં પાણી આપવામાં આવ્યું છે.
ચોમાસા દરમિયાન છલકાઈ જતા જળાશયોના ઉનાળામાં તળિયા દેખાવા લાગે છે, ત્યારે સૌની યોજના અંતર્ગત નર્મદા ડેમનું પાણી લેવામાં આવે છે. રાજકોટ શહેરમાં મનપા તંત્ર દ્વારા લખવામાં આવેલા પત્રના ૪૨ દિવસ બાદ રાજકોટના આજી-૧ ડેમમાં પાણી પહોંચ્યું છે. આ અંગે મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, આજી-૧માં ૭૦૦ અને ન્યારી-૧ માં ૩૦૦ એમસીએફટી પાણીનો જથ્થો ઠલવાય રહ્યો છે.