ખાનપુર દેહ ગામે પાલિકાના દૂષિત પાણીથી મોત થયાની રાવ
જંબુસર તાલુકાના ખાનપુર દેહ ગામ નજીક જંબુસર નગર પાલિકા દ્વારા સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જોકે આ કામગીરી હજી અધુરી છે. સાથે નગર પાલિકામાંથી દૂષિત પાણીના વહન માટેની પાઈપલાઈન પણ નાંખવામાં આવી છે. આ પાઈપલાઈનમાં લિકેજ થતું હોવાથી પાલિકા વિસ્તારનું દૂષિત પાણી નજીકની જમીન અને તળાવોમાં ભળી રહ્યું છે.
છેલ્લા એક સપ્તાહથી આ ગામના પશુપાલકોના દુધાળા પશુ મોતને ભેટી રહ્યા છે. આ પશુઓના મોતનું કારણ પાલિકાનું દૂષિત પાણી હોવાથી ગામલકોએ અનેક વખત પાલિકામાં રજૂઆત કરી હતી. પરંતુ તેમણે આ જવાબદારી પાલિકાની નથી તેમ કહી સત્તાધિશોએ છટકી જવાનો પ્રયાસ કર્યો હતો. આખરે ગામના સરફરાજ યુસુફ ભુજી જેમણે પોતાના ૨૧ પશુ ગુમાવતા આખરે જંબુસર પ્રાંત અધિકારીને આ અંગે લેખિત રજૂઆત કરી પશુઓના મોત બાદ તેનું વળતર ચૂકવવાની માંગ કરી હતી. જેના પગલે પાલિકાના અધિકારીઓ પણ દોડતા થયા હતા.
નગર પાલિકાની પાઈપલાઈનમાંથી દૂષિત પાણી લિકેજ થતા તળાવોમાં ભળ્યા છે. આ પાણી પીવાથી પશુઓના મોત થયા. અમે અનેક વખત રજૂઆત કરી પણ અધિકારીઓ જવાબદારીમાંથી છટકી રહ્યા હતા. અમે વેટરનરી તબીબને બોલાવ્યા તો તેઓ સ્થળ પરથી મૃત પશુના સેમ્પલ પણ લઈ ગયા છે. થોડા દિવસમાં તેનો રિપોર્ટ આવી જશે. જવાબદાર તંત્ર પશુપાલકોને યોગ્ય વળતર ચૂકવે અને આ દુષિત પાણી તળાવોમાં વહેતું અટકાવે તેવી અમારી માગણી છે. જંબુસર તાલુકાના ખાનપુર દેહ ગામ ખાતે રહેતા ગામના પશુ પાલકોના અંદાજે ૫૫ જેટલાં નાના-મોટા પશુ તબક્કાવાર મૃત્યુ પામતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. નગર પાલિકાના દુષિત પાણીના કારણે આ પશુના મોત થયા હોવાની રજૂઆત સાથે વળતરની માગણી કરતી લેખિત અરજી પશુપાલકોએ જંબુસર પ્રાંત અધિકારીને પાઠવી છે.