ગુજરાતમાં ૩ દિવસ કોલ્ડ વેવની આગાહી
અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આવેલા પલટાને લીધે લઘુત્તમ તાપમાનનો પારો ઊંચકાયો હતો. જેના કારણે છેલ્લા બે ત્રણ દિવસથી ગરમી અને ઉકળાટનો વર્તારો અનુભવાયો હતો. પરંતુ આજે અચાનક વહેલી સવારથી જ ઠંડો પવન અને શીત લહેર પ્રસરતા અમદાવાદ સહિત રાજ્યના નાગરિકો ધ્રૂજી ઊઠયા હતા. અમદાવાદ શહેરમાં આજે ઠંડીનું મોજું ફ્રી વળ્યું હતું દિવસ દરમિયાન પણ ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયા હતા. મોડી સાંજથી શહેરમાં ગાત્રો થીજવતી ઠંડીમા લોકો તોબાહ પોકારી ઊઠયા હતા. આગામી બે દિવસ અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ શહેરોમાં હાડ થીજવતી ઠંડી પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો અપાયા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના કચ્છ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ઠંડા પવન ફૂંકાવાના કારણે બાળકો, પ્રેગ્નેન્ટ મહિલા તથા કોમોર્બિડ વૃદ્ધોને ખાસ સાવચેતી રાખવા કહેવાયું છે. ઠંડીમાં શક્ય હોય તો બહાર જવાનું ટાળવું જોઈએ. એક લેયરના ભારે અને ટાઈટ કપડા પહેરવાની જગ્યાએ ઉનના એકથી વધુ લેયરના ખુલ્લા કપડા પહેરવા જોઈએ. તમારા હાથ, ગરદન, માથું અને પગને કવર કરીને રાખો.
ઉત્તર ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવન ફૂંકાવાનું ફરી શરૂ થયું હતું. પ્રતિ કલાકે ૧૨ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે રાત્રીનું તાપમાન સાડા ૭ ડિગ્રી ઘટ્યું હતું. જ્યારે દિવસનું તાપમાન પોણા ૫ ડિગ્રી સુધી ઘટ્યું હતું. જેને લઇ ઠંડીનો પારો ૧૧ થી ૧૩.૩ ડિગ્રીની વચ્ચે, જ્યારે દિવસનો પારો ૨૧ થી ૨૨ ડિગ્રી વચ્ચે રહ્યો હતો.આગામી ૭૨ કલાકમાં ઠંડી ૨થી ૪ ડિગ્રી વધશે. આ સાથે ૪૮ કલાક સુધી મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ઠંડા પવનો ફૂંકાશે. જેને લઇ ચારેય જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે.ઉત્તર પશ્ચિમના ઠંડા પવન સીધા આવતા શહેર સહિત રાજ્યમાં કોલ્ડવેવની અસર શરૂ થઈ છે અને આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તેની અસર વર્તાશે. વિવિધ શહેરોનું લઘુતમ તાપમાન ૭થી ૧૨ ડિગ્રી ઘટ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તરના સીધા ઠંડા પવનની અસર સૌથી વધુ અસર અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જૂનાગઢ જિલ્લામાં રહેશે.