ઓમિક્રોનની વેક્સિન માર્ચ સુધીમાં તૈયાર થશે : ફાઈઝર ફાર્મા કપંનીનો દાવો
કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડાની ચેતવણી સાચી સાબિત થઈ રહી છે. સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિઅન્ટની સુનામી આવી છે અને ૪૬ દેશોમાં રેકોર્ડ કોવિડ કેસ જોવા મળી રહ્યા છે. સ્થિતિ એવી છે કે જે દેશોમાં મોટી સંખ્યામાં લોકોને કોરોનાની રસી મળી છે ત્યાં પણ હોસ્પિટલ દર્દીઓથી ભરાઈ રહી છે. એવા સંકેતો છે કે ભારત અને અમેરિકાની હોસ્પિટલોના ICUમાં વધુ ભીડ જોવા મળી શકે છે, જેના કારણે દર્દીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોનાને લડત આપવા માટે રસીકરણ ચાલી રહ્યું છે.
ભારતમાં પણ અત્યાર સુધીમાં લગભગ ૧,૫૨,૯૯,૪૦,૪૮૮ જેટલા કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે સમગ્ર વિશ્વમાં જોર શોરથી રસીકરણ ચાલી રહ્યું છે જે ખરેખર ખૂબ જ અગત્યનું છે.કોવિડ-૧૯નો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેના જોખમને ધ્યાનમાં રાખીને ઘણા દેશોમાં રસીના બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે.
ઓમિક્રોનના સંક્રમણને રોકવાના હેતુથી તૈયાર કરવામાં આવી રહેલી રસી માટે પણ કામ ચાલી રહ્યું છે. દિગ્ગજ ફાર્મા કંપની ફાઈઝરને આશા છે કે ઓમિક્રોન વેરિઅન્ટને ટાર્ગેટ કરતી કોવિડ-૧૯ રસી માર્ચમાં તૈયાર થઈ જશે. કંપનીના પ્રમુખે સોમવારે આ માહિતી આપી. ફાઈઝરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આલ્બર્ટ બુર્લાએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ સંક્રમણના કેસ સતત વધી રહ્યા હોવાથી સરકારોની ભારે માંગને કારણે ફાઈઝર પહેલેથી જ રસીના ડોઝનું ઉત્પાદન કરી રહ્યું છે. એવા લોકો પણ મોટી સંખ્યામાં છે જેમણે રસી લીધી છે છતાં ઓમિક્રોનનો ભોગ બન્યા છે. બુર્લાએ કહ્યું, ‘આ રસી માર્ચમાં તૈયાર થઈ જશે. મને ખબર નથી કે આપણને તેની જરૂરિયાત હશે કે નહીં. મને નથી ખબર કે તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે.’ ફાઈઝરના સીઈઓએ જણાવ્યું હતું કે બે રસીના ડોઝવાળી હાલની વ્યવસ્થા અને એક બૂસ્ટર ડોઝ ઓમિક્રોનથી થનાર ગંભીર સ્વાસ્થ્ય અસરો સામે ‘વાજબી’ રક્ષણ પૂરું પાડે છે.
જો કે ઓમિક્રોન વેરિઅન્ટને ટાર્ગેટ કરતી વેક્સિન સ્ટ્રેનના બ્રેકથ્રુ ઇન્ફેક્શન સામે પણ રક્ષણ કરશે, જે ખૂબ જ સંક્રામક સાબિત થયો છે. જયારે મોડર્નાના સીઈઓ સ્ટીફન બંસેલે જણાવ્યું હતું કે કંપની બૂસ્ટર વિકસાવી રહી છે જે ઓમિક્રોન અને અન્ય ઉભરતા સ્ટ્રેનનો સામનો કરી શકે છે. તેમણે કહ્યું કે સંભવિત બૂસ્ટર માટે વિશ્વભરના આરોગ્ય ક્ષેત્રના અનુભવીઓ સાથે વાત કરી રહ્યા છે.