અમેરિકાના ફિલાડેલ્ફિયાના મોટો આગ નો બનાવ, ૭ બાળકો સહિત ૧૩ના મોત
અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરમાં આગ લાગવાનો એક મોટો બનાવ બન્યો હતો, એક રેહણાક બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી આ ઘટનામાં સાત બાળકો સહિત ૧૩ લોકોના મોત થયા હતા. ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે આગના કિસ્સામાં બિલ્ડિંગમાં ચાર ભય ચેતવણી ઉપકરણો લગાવવામાં આવ્યા હતા, પરંતુ એક પણ કામ કરવાની સ્થિતિમાં નહોતું. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોમાંથી બેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટના શહેરના ફેરમાઉન્ટ વિસ્તારમાં સવારે ૬.૪૦ વાગ્યાની આસપાસ બની હતી.
ફિલાડેલ્ફિયાના ડેપ્યુટી ફાયર કમિશનર ક્રેગ મર્ફીના જણાવ્યા અનુસાર આઠ લોકો બે એક્ઝિટ ગેટમાંથી ભાગવામાં સફળ થયા હતા. મૃતકોમાં સાત બાળકોનો પણ સમાવેશ થાય છે. ક્રેગ મર્ફીએ કહ્યું કે આગની આ ઘટના ખૂબ જ ભયાનક હતી. તેમણે કહ્યું કે આ કદાચ અત્યાર સુધીની સૌથી ભયાનક આગ છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર અકસ્માતમાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.
ફાયર વિભાગના અધિકારીઓ આગ લાગવાના કારણની તપાસ કરી રહ્યા છે.અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની પત્ની ફર્સ્ટ લેડી જીલ બિડેને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પોતાના ટિ્વટર સંદેશમાં તેમણે આગની ઘટનાને દુઃખદ ગણાવી હતી અને કહ્યું હતું કે તેમનું હૃદય પીડિતો અને તેમના પ્રિયજનો માટે દુખી છે.