ગુજરાતમાં પહેલા દિવસે જ ૫.૫૦ લાખ તરૂણોને વેક્સિન અપાઈ
દેશભરમાં કિશોરો-કિસોરીના રસીકરણના પહેલા દિવસે સોમવારે કુલ ૪૧ લાખ કિશોરોને રસી આપવામાં આવી હતી. સૌથી વધુ ૭.૫ લાખ કિશોરો-કિશોરીને મધ્યપ્રદેશમાં રસી અપાઈ હતી. જ્યારે ૫.૫૦ લાખ સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. દેશમાં ૭.૪ કરોડ વસતિ ૧૫થી ૧૮ વર્ષની વયનાં બાળકોની છે. જો આ જ ગતિએ રસીકરણ જારી રહેશે તો માત્ર ૧૮ દિવસમાં આ વયજૂથના તમામ લોકોને પ્રથમ ડોઝ મળી જશે. ભારતની આ શરૂઆત એટલા માટે મહત્ત્વની છે, કારણ કે અમેરિકાને આ સંખ્યાએ પહોંચતાં ૩૩ દિવસ લાગ્યા હતા.
રાજ્યમાં કુલ ૩૬ લાખ કિશોરો-કિશોરી ૧૫થી ૧૮ વર્ષની વયજૂથનાં છે. તેમને કોવેક્સિન રસીનો પ્રથમ ડોઝ આપવા માટે રાજ્ય સરકારે ૭ જાન્યુઆરી સુધી મહાઅભિયાન શરૂ કર્યું છે. જેમાં ૭ જાન્યુઆરીએ મેગા ડ્રાઇવ યોજાશે. પહેલા દિવસે… રાજ્યના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં રસી લીધા બાદ ચાર કિશોરીઓને સામાન્ય તાવ આવ્યો હતો.
સાવચેતીના ભાગરૂપ તેમને હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. સાંજે ચારે કિશોરીઓને રજા આપી દેવામાં આવી હતી.રાજ્યનાં ૧૫થી ૧૮ વર્ષ વચ્ચેનાં ૩૫ લાખ બાળકોને રસી આપવાની શરૂઆત સોમવારે કરવામાં આવી હતી. પહેલા દિવસે સાંજે વાગ્યા સુધી ૫.૫૦ લાખથી વધારે બાળકોને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની કોબાવાલા હાઇસ્કૂલથી કરાવ્યો હતો. રાજ્યમાં વયજૂથમાં અંદાજે ૩૫ લાખથી વધુ બાળકોને કોરોના વેક્સિનેશન ડ્રાઇવ અન્વયે ૩થી ૭ જાન્યુઆરી સુધી આવરી લેવાશે. અત્યાર સુધી રાજ્યમાં કુલ ૯ કરોડથી વધારે રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાંથી ૪.૭૫ કરોડને પહેલો ડોઝ જ્યારે ૪.૨૮ કરોડને બન્ને ડોઝ આપવામાં આવ્યા છે. એક અંદાજ મુજબ, ૧૫-૧૮ વર્ષમાં પહેલા દિવસે જ દર સાતમા બાળકને રસીનો ડોઝ અપાઇ ગયો છે. સોમવારે એક જ દિવસમાં ૮ લાખથી વધારે રસીકરણ રાજ્યમાં કરવામાં આવ્યું હતું.